ભાજપના અખતરા સફળ, કોંગ્રેસના મોટામાથાઓને જાકારો

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામોએ અનેકની બાજી ઉંધી-ચત્તી કરી નાખી વોર્ડ નં.4માં આપ બીજા નંબરે, મતદાન ઘટયું ત્યાં પણ ભાજપનો દબદબો રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72…

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામોએ અનેકની બાજી ઉંધી-ચત્તી કરી નાખી

વોર્ડ નં.4માં આપ બીજા નંબરે, મતદાન ઘટયું ત્યાં પણ ભાજપનો દબદબો

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકોના આજે પરિણામો જાહેર થઇ જતા 65 બેઠકો ભાજપે જીતી છે જયારે 7 બેઠકો ભાજપને મળી છે. 2021ની સરખામણીએ ભાજપને 3 બેઠકોનું નુકશાન ગયું છે તો કોંગ્રેસને ત્રણ બેઠકોનો ફાયદો થયો છે.

રાજકોટમાં ભાજપે કરેલા મોટા ભાગના અખતરા સફળ થયા છે અને નવા-જુના મોટા ભાગના ઉમેદવારો ચુંટાયા છે જયારે કોંગ્રેસના વશરામ સાગઠીયા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, નયનાબા જાડેજા, રણજીત મુંધવા સૌથી અમીર ઉમેદવાર મેહુલ મકવાણા, સંજય અજુડીયા (પૂર્વ પ્રમુખ) સહીતના માથાઓને મતદારોએ ઘરે બેસાડી દીધા છે.

વોર્ડ નં.4માં આપ બીજા નંબરે, તમામ ઉમેદવારોને મળ્યા 10 હજારથી વધુ મત
આમ આદમી પાર્ટીને જ્યા ખાતુ ખોલવાની આશા હતી તે વોર્ડ નં.4માં ઉમેદવારોને જીત તો નશીબ ન થઇ પણ જનાધાર નોંધ લઇ શકાય તેવો મળ્યો છે. આ વોર્ડમાં આપ પાર્ટી રનર્સ અપ એટલે કે બીજા નંબરે છે. આપના તમામ ઉમેદવારોને 10 હજારથી વધુ મત મળ્યા છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખુબ સારા કહી શકાય. આપના ધુરંધર આશાસ્પદ ઉમેદવાર રાહુલ ભુવાને 11928, અવનીબેન જાગાણીને 10469, રિધ્ધિબેન મેતરિયાને 10141 અને હાર્દિકભાઇ રાબડિયાને 10088 મત મળ્યા છે. તેની સામે કોંગ્રેસના ઉમેદવારો 6000નો આંકડો પણ આંબી શક્યા નથી. કોંગ્રેસમાંથી શિતલબેન પરમારને 4761, કલ્પનાબેન ગોસ્વામીને 5838, ઠાકરશીભાઇ ગજેરાને 5496 અને દીપકભાઇ મકવાણાને 5256 મત મળ્યા છે. આ વોર્ડમાં વિજય વાવટો ફરકાવનાર ભાજપના ઉમેદવાર કાળુભાઇ કુંગશિયાને 17244, કંકુબેન ઉધરેજાને 15623, રાજેશ્વરીબે માલવિયાને 14419 અને ભરતભાઇ લીંબાસિયાને 14799 મત મળ્યા છે.

જે વોર્ડમાં ઓછુ મતદાન થયુ હતુ ત્યા ભાજપનો વધુ દબદબો
એસ.આર.આઇ.ની કામગીરી થયા બાદ એવી આશા હતી કે રાજકોટમાં મતદાનની ટકાવારી ગત ચૂંટણી કરતા ધરખમ રીતે વધી શકે છે. જો કે મતદારોની નિરાશા, કાળજાળ ગરમી, સ્લીપ વિતરણના ધાંધિયા, તમામ પક્ષોમાં આંતરિક ડખ્ખા સહિતના અનેક પરિબળો વચ્ચે મતદાન ધાર્યા કરતા ઘણુ ઓછુ થયુ હતુ. આમછતા ભાજપને કોઇ મોટુ નુકસાન થયુ નથી. આજે મતપેટી ખુલ્યા બાદ જે વોર્ડમાં ઓછુ મતદાન થયુ હતુ એ તમામ વોર્ડમાં ભાજપનો દબદબો રહ્યો છે.

ભાજપના તમામ 14 મોટા માથાઓ જીત્યા, કોંગ્રેસના 12 મોટા માથાને માથાભેર પછડાટ
ભાજપે આ વખતે મોટાભાગના ઉમેદવારો નવા મુક્યા હતા. 72માંથી માત્ર 14 ઉમેદવારો એવા માની શકાય કે જે મોટા માથા કહી શકાય. જેમા પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, કાળુભાઇ કુંગશિયા, કંકુબેન ઉધરેજા, પરેશભાઇ પીપળિયા, નેહલભાઇ શુક્લ, રાજુભાઇ અઘેરા, જ્યોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, હીરેન ખીમાણિયા, કેતન પટેલ, સંજયસિંહ રાણા સહિત તમામ 14 મોટા માથાઓ જીત્યા છે. સામે કોંગ્રેસમાંથી ધરખમ કહી શકાય કે તેવા ચહેરાઓમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સગા બહેન નયનાબા જાડેજા, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, ઠાકરશી ગજેરા, રણજીત મુંધવા, પ્રતિબેન દેસાઇ, આર.જે. આભા દેસાઇ, ઉર્વશીબા જાડેજા, સંજય અજુડિયા, વશરામ સાગઠિયા, ઇબ્રાહીમ સોરા સહિત 12 મોટા મથાઓ માથાભેર પછડાટ મળી છે.

આપે કોંગ્રેસને આપી બરોબરની ટક્કર, બન્નેના કુલ મતમાં 2109નો જ ડિફરન્સ
આપ પાર્ટીની એકપણ સીટ ભલે રાજકોટ મનપામાં આવી ન હોય પણ અનેક વોર્ડમાં જનાધાર વધ્યો છે. જ્યાથી ભાજપને સર્વાધિક લીડ મળી છે ત્યા આપ પાર્ટીએ કોંગ્રેસને ટક્કર આપી છે. કોંગ્રેસના દિપુબેન રવિયા, યોગીતાબેન વાડોલિયા, જલ્પેશભાઇ વાઘેલા અને ગિરિશભાઇ ઘરસંડિયા આ ચારેયના મળીને કુલ 13403 મત સામે આપ પાર્ટીના અંજનાબેન વાછાણી, નીતાબેન મહેતા, જગદીશભાઇ મારૂૂ અને લાલજીભાઇ ચૌહાણ સહિત ચારેયના મળીને કુલ 11294 મત મેળવ્યા છે. કોંગ્રેસ અને આપ બન્ને વચ્ચે માત્ર 2109 નો જ ડિફરન્સ છે.

સમગ્ર રાજકોટમાં ભાજપની હાઇએસ્ટ 16639ની લીડ વોર્ડ નંબર નવમાં

કમલેશ મીરાણી અને પુષ્કર પટેલે વાવેલું ઉગ્યું, અનુભવના બીજ વટવૃક્ષ બન્યા
રાજકોટનો વોર્ડ નં.9 ભાજપનો પરંપરાગત ગઢ છે. એક સમયે આ વિસ્તાર શહેરનો છેવાડાનો ગણાતો હતો. આજે ક્રીમ અને વિકસીત વિસ્તાર ગણાય છે. હાઇરાઇઝ બિલ્ડીંગ, પહોળા રોડ, ગ્રીનરી, પાણી, સફાઇ સહિત પ્રાથમિક સુવિધામાં અવ્વલ વ્યવસ્થા સહિત આ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરાયો છે. જેના પરિણામ સ્વરૂૂપ આ વોર્ડની જનતાએ ભાજપને આ વખતે ઐતિહાસિક જીત અપાવી છે. આ જીત પાછળ ભાજપના પીઢ અને અનુભવી નેતા તેમજ આ વોર્ડમાં કોર્પોરેટર રહી ચુકેલા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી તેમજ મનપામાં બબ્બે વખત સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચુકેલા પુષ્કરભાઇ પટેલને શ્રેય ચોક્કસપણે આપી શકાય તેમ છે. તેમણે આ વિસ્તારમાં વાવેલુ ઉગ્યુ છે. બન્નેના અનુભવના બીજ વટવૃક્ષ બનીને ઘેઘુર થયા છે. આ વિસ્તારમાં કમલેશભાઇ અને પુષ્કરભાઇની લોકચાહનાના લીધે ઘરે ઘરે ભાજપ તરફી પ્રવાહ વહેવવા લાગ્યો છે. આ વખતે આયાતી ઉમેદવાર હોવા છતા ભાજપને ખોબલે ખોબલે મત મળ્યા છે. શહેરના તમામ 18 વોર્ડમાં ભાજપના ઉમેદવારોમાં હાઇએસ્ટ 16639ની લીડ આ જ વોર્ડમાં જયસુખભાઇ કાથરોટિયાને મળી છે. બીજા ક્રમે દક્ષાબેન વસાણીને 18602, જાનકીબેન કાટોળિયાને 18524 અને રાજુભાઇ અઘેરાને 17830ની લીડ મળી છે.

 

આપના આશાવાદી રાહુલ ભુવાનો જનાધાર બમણો જરૂર થયો પણ જીત ન અપાવી શક્યો
આપ પાર્ટી રાજકોટમાં ખાતુ ખોલશે તેવી આશા પક્ષને હતી. તેના માટે વોર્ડ નં.4 મુખ્ય હતો. આ વોર્ડમાં તાકાતવર કહી શકાય તેવા રાહુલ ભુવાને ફરી ટિકિટ આપવામા આવી હતી. ગત ચૂંટણીમાં રાહુલ ભુવા 4000 મત લઇ ગયા હતા. એ વખતે તો આમ આદમી પાર્ટીએ રાજકોટમાં માત્ર પગરણ જ કર્યા હતા. આ વખતે રાહુલ ભુવા ઉપર પાર્ટીને ખુબ આશા હતી. જો કે અહીં પણ આપ પાર્ટી ખાતુ ખોલાવી શકી ન હતી. પરજીત રાહુલ ભુવા માટે સારી બાબત એ કહી શકાય કે ગત ચૂંટણી કરતા આ વખતે તેનો જનાધર જરૂૂર વધ્યો છે. ગત વખતે તેમને 4000થી વધુ મત મળ્યા હતા. આ વખતે 10 હજારથી વધુ મત લઇ ગયા છે. જે કોંગ્રેસને ડેમેજ કર્યુ હોવાનું મનાઇ રહ્યુ છે.

કોંગ્રેસના ઉમેદવારો મહતમ 4055 મતે હાંફી ગયા
ભાજપની તોતીંગ લીડ સામે કોંગ્રેસ મહતમ 4055 મતથી હાંફી ગઇ છે. કોંગ્રેસમાંથી વધુમાં વધુ ગિરિશભાઇ ઘરસંડિયાને 4055 મત, જલ્પેશભાઇ વાઘેલને 3186, યોગીતાબેન વાડોલિયાને 3179 અને દિપુબેન રવિયાને 2983 મત મળ્યા છે.