જામખંભાળિયા નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઇકસવાર તરુણનું મૃત્યુ

પોરબંદર માર્ગ પર બુધવારે રાત્રિના સમયે એક ટ્રકની પાછળ દૂધનું કેરી વાહન અથડાઈ પડતા આ કેરી વાહનમાં જઈ રહેલા 15 વર્ષના એક તરુણનું મૃત્યુ નિપજ્યું…

પોરબંદર માર્ગ પર બુધવારે રાત્રિના સમયે એક ટ્રકની પાછળ દૂધનું કેરી વાહન અથડાઈ પડતા આ કેરી વાહનમાં જઈ રહેલા 15 વર્ષના એક તરુણનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત આગળ ઊભેલા બંધ ટ્રેલરના કારણે સર્જાયો હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા – પોરબંદર હાઈવે પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કેશોદ ગામે આવેલા એક મંદિર પાસેથી બુધવારે રાત્રિના અત્રે 9 વાગ્યાના સમયે જી.જે. 37 વી. 0295 નંબરના કેરી વાહનમાં દૂધ ભરીને ખંભાળિયા તરફ આવી રહેલા જયેશભાઈ જીવણભાઈ જામ (ઉ.વ. 22, રહે. માળી, તા. કલ્યાણપુર) તથા તેમના કાકાના દીકરા પિતરાઈ ભાઈ સુમિતભાઈ હરિભાઈ જામ (ઉ.વ. 15) ને આગળ જઈ રહેલા જી.જે. 12 સીટી 1841 નંબરના એક ટ્રકના ચાલકે એકાએક જોરદાર બ્રેક મારતા જયેશભાઈ જામનું કેરી વાહન ટ્રકની પાછળ અથડાઈ પડ્યું હતું. આ અકસ્માતના કારણે કેરી વાહનમાં બેઠેલા 15 વર્ષીય સુમિતભાઈ જામને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે જયેશભાઈને અહીંની ખાનગી હોસ્પિટલમાં જરૂૂરી સારવાર આપવામાં આવી હતી.

આ અકસ્માત ટ્રકની આગળ બંધ રહેલા આર.જે. 18 જીબી 3588 ના ટ્રેલરના કારણે થયાનું ખુલવા પામ્યું છે. રાજસ્થાન પાસિંગનું ઉપરોક્ત ટ્રેલર બ્રેક ડાઉન હોવાના કારણે આ ટ્રેલરના ચાલકે આગળ પાછળ કોઈ આડસ કે સાઈડ સિગ્નલ ચાલુ રાખ્યું ન હોવાથી તેની પાછળ જઈ રહેલા જીજે 12 સીટી 1841 નંબરના ટ્રકના ચાલકે બ્રેક મારતા કેરી વાહન તેની પાછળ અથડાઈ પડ્યું હતું.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે જયેશભાઈ જામની ફરિયાદ પરથી ટ્રેલરના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પીએસઆઈ યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.