રાજકોટ-જામનગર હાઇવે પરથી બાઇકચોર ટોળકી ઝડપાઇ, અડધો ડઝન ચોરીના ભેદ ખુલ્યા

રાજકોટ-જામનગર હાઇવે ઉપરથી પડધરી પોલીસે રાજકોટની વાહન ચોર ગેંગને ઝડપી પાડી રૂૂ.3.90 લાખના ચોરાઉ મોટરસાઈકલ કબજે કર્યા હતા. જિલ્લામાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અને વણઉકેલાયેલી ચોરીના…

રાજકોટ-જામનગર હાઇવે ઉપરથી પડધરી પોલીસે રાજકોટની વાહન ચોર ગેંગને ઝડપી પાડી રૂૂ.3.90 લાખના ચોરાઉ મોટરસાઈકલ કબજે કર્યા હતા. જિલ્લામાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અને વણઉકેલાયેલી ચોરીના ભેદ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે પડધરી પોલીસને મોટી સફળતા મળી છે. પડધરી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બાઈક ચોર ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડી, અગાઉ થયેલી ચોરીઓના ગુના ડિટેક્ટ કર્યા છે.

પડધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ચાર શંકાસ્પદ ઇસમો ચોરીના બે મોટરસાયકલ સાથે રાજકોટ-જામનગર હાઇવે પરથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાતા ચાર શખ્સોને અટકાવ્યા હતા. પોલીસે જ્યારે તેમની પાસે રહેલા વાહનોની ’પોકેટ કોપ એપ’ દ્વારા તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આ વાહનો અન્ય વ્યક્તિઓના નામે નોંધાયેલા હતા. કડક પૂછપરછ દરમિયાન આ શખ્સોએ કબૂલાત કરી હતી કે તેમણે આ વાહનો તરઘડી અને પડધરી ગામેથી ચોરી કર્યા હતા. પકડાયેલા ચારેય આરોપીઓ રાજકોટ શહેરના રહેવાસી છે.

જેમાં સમીર હસનમહમદ શેખ (રહે. ભિસ્તીવાડ, રાજકોટ) , અનિકેત રાકેશભાઈ કુમાર (રહે. પોપટપરા, રાજકોટ) ,હમીદ હશનભાઈ હાજી (રહે. જંક્શન ગાયકવાડી, રાજકોટ), અતિક દોસ્તમહમદ સુમરા (રહે. પરસાણાનગર, રાજકોટ) હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આ તમામ અગાઉ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પડધરી પોલીસે આ ગેંગ પાસેથી કુલ 6 વાહનો કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂૂપિયા 3,90,000/- થાય છે.

રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલસ વડા વિજયસિંહ ગુર્જર ના માર્ગદર્શન હેઠળ પડધરી પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.જી. ચૌહાણ, એએસઆઈ ભગીરથસિંહ જાડેજા, છત્રપાલસિંહ, વસંતભાઇ ભુંડીયા, અબ્બાશભાઇ ભારમલ, અશોકભાઇ ડાંગર, સાગરભાઇ ખટાણા, નિકુલસિંહ ઝાલાએ કામગીરી કરી હતી.