ગુજરાત

ભોજશાળા વિવાદ, પેટ ચોળીને શૂલ ઊભું કર્યુ

Published

on

કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી ધર્મસ્થાનોના જે વિવાદો ચગ્યા છે તેમાં એક મધ્ય પ્રદેશમાં ધારની ભોજશાળાનો પણ છે. હિંદુઓ જેને ભોજશાળા કહે છે તેને મુસ્લિમો કમાલ મૌલા મસ્જિદ કહે છે. હિન્દુ સમુદાય ભોજશાળાને વાગદેવી એટલે કે દેવી સરસ્વતીનું મંદિર માને છે, જ્યારે મુસ્લિમો આ સ્થળને ચૌદમી સદીમાં દિલ્હી સલ્તનતના સૂબા દિલાવરખાને બંધાવેલી કમાલ મૌલા મસ્જિદ કહે છે. આ સંકુલ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (અજઈં) દ્વારા સુરક્ષિત છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ 2003માં આ સ્થળે નમાઝ પઢવાની મંજૂરી આપી હતી તેથી હિંદુ પક્ષકારો રોષમાં હતા પણ કોઈ તેમનું સાંભળતું નહોતું કેમ કે વર્શિપ એક્ટ, 1993 હેઠળ દેશનાં તમામ ધર્મસ્થાનો 15 ઓગસ્ટ, 1947ના રોજ હતાં તે જ સ્થિતિમાં રાખવાનાં છે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી એક પછી એક હિંદુ ધર્મસ્થાનોના વિવાદ ઊભા કરાઈ રહ્યા છે ને અદાલતો પણ તેમને મહત્ત્વ આપી રહી છે. આ તકનો લાભ લઈને હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ નામના સંગઠને ધારની ભોજશાળ મુદ્દે કોર્ટમાં અરજી કરી નાખી.સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળતાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ડો. આલોક ત્રિપાઠીના નિર્દેશનમાં 98 દિવસો સુધી ચાલેલા સર્વે પછી તેનો રિપોર્ટ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ મધ્ય પ્રદેશ હાઇ કોર્ટમાં રજૂ કર્યો છે. 2000 પાનાંના રિપોર્ટમાં શું છે એ ખબર નથી કેમ કે રિપોર્ટ માત્ર હાઈ કોર્ટ જ જોઈ શકે પણ આ રિપોર્ટના પગલે હિંદુ પક્ષકારો ગેલમાં છે. હિંદુ પક્ષકારોનો દાવો છે કે, ખોદકામમાં 1700થી વધુ પ્રાચીન વસ્તુઓ મળી આવી છે કે જેમાં દેવી-દેવતાઓની 37 મૂર્તિઓ પણ છે. ખોદકામમાં મા વાગ્દેવીની ખંડિત મૂર્તિ મળી છે અને હિંદુ-દેવી દેવતાઓની ખંડિત પ્રતિમાઓ મળી છે. ભગવાન કૃષ્ણ, જટાધારી ભોલાનાથ, હનુમાન, શિવ, બ્રહ્મા, વાગ્દેવી, ભગવાન ગણેશ, માતા પાર્વતી, ભૈરવનાથ વગેરે દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનો તેમનો દાવો છે. ચાંદી, તાંબા, એલ્યુમિનિયમ અને સ્ટીલના કુલ 31 સિક્કા મળી આવ્યા છે. સુપ્રીમ કોર્ટ આ રિપોર્ટના આધારે સ્ટે હટાવશે કે નહીં એ ખબર નથી પણ આ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા ઓછી છે. વર્શિપ એક્ટ હેઠળ ભોજશાળામાં પણ આઝાદી વખતની સ્થિતિ જાળવી રાખવાની છે તેથી સુપ્રીમ કોર્ટ સુનાવણી કરીને પેટ ચોળીને શૂળ ઊભું કરે એ વાતમાં માલ નથી. હિંદુવાદીઓ જેના જોરે કૂદી રહ્યા છે એ ભાજપ પણ ઢીલોઢફ થઈ ગયો છે અને હવે કોઈ ધર્મસ્થાન પોતાના એજન્ડામાં નથી એવું કહી રહ્યો છે એ જોતાં એએસઆઈનો રિપોર્ટ હિંદુઓની તરફેણમાં હોય તો પણ કશું થવાની સંભાવના ઓછી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version