ભાવનગર સર ટી. હોસ્પિટલના રેગિંગકાંડમાં 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ

ભાવનગરની સર ટી. હોસ્પિટલ (સર તખ્તસિંહજી હોસ્પિટલ) ના મેડિકલ કેમ્પસમાંથી રેગિંગની એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવતાં તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.…

ભાવનગરની સર ટી. હોસ્પિટલ (સર તખ્તસિંહજી હોસ્પિટલ) ના મેડિકલ કેમ્પસમાંથી રેગિંગની એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવતાં તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના પીજી ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર ડોક્ટરો વિરુદ્ધ રેગિંગ અંગેની ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગંભીર મામલો રાજ્યના આરોગ્ય મંત્રી સુધી પહોંચતા તેમણે તાત્કાલિક કડક તપાસના આદેશો જારી કર્યા હતા. જેને પગલે હોસ્પિટલ પ્રશાસન અને એન્ટી-રેગિંગ કમિટી સફાળી જાગી હતી અને ગઈકાલે સવારથી મોડી રાત સુધી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા બેઠકો અને સઘન પૂછપરછનો દોર શરૂૂ કરાયો હતો.

તપાસ સમિતિ સમક્ષ આખો દિવસ ચાલેલી સુનાવણી અને નિવેદનોની પ્રક્રિયા દરમિયાન મોડી રાત્રે જ તમામ આરોપી સિનિયર તબીબોએ ભોગ બનનાર 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી લીધી હતી. વિદ્યાર્થીઓ ગુનેગાર સાબિત થતાં આજે વહેલી સવારે કમિટી દ્વારા આકરા પગલાં ભરવામાં આવ્યા છે, જેના ભાગરૂૂપે રેગિંગના દૂષણમાં સંડોવાયેલા 6 સિનિયર ડોક્ટરોને અલગ-અલગ સમયે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓમાં ડો. વિરેન્દ્રસિંહ જાડેજા, ડો. પ્રવીણ વર્મા, ડો. અમન વર્મા, ડો. વિશાલ ડાભી, ડો. ધર્મેન્દ્ર દયાલ અને ડો. જયંત દેવાનીનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા લેવાયેલા કડક વલણના પગલે આ તમામ સસ્પેન્ડેડ ડોક્ટરોને આજે સાંજ સુધીમાં જ કોલેજ અને હોસ્પિટલ પરિસર છોડી દેવાનો કડક આદેશ પણ આપી દેવાયો છે. સરકાર અને કોલેજ પ્રશાસનની આ ગર્ભિત ચેતવણીરૂૂપ કાર્યવાહીથી અન્ય રેગિંગખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.