આંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભાવેશ તાવિયાએ ગોલ્ડ મેડલ જીતી સૌ.યુનિ.નું ગૌરવ વધાર્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવ અને આનંદની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીંબડીમાં સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવ અને આનંદની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીંબડીમાં સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી હેન્ડબોલ ખેલાડી ભાવેશ બાબુભાઈ તાવિયાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીતતા સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વિશ્વસ્તરે ગૌરવપૂર્ણ બનાવ્યું છે.ગુજરાત રાજ્યમાંથી માત્ર એક ખેલાડી તરીકે ભાવેશ તાવિયાની પસંદગી ભારતીય જુનિયર મેન્સ હેન્ડબોલ ટીમમાં કરવામાં આવી હતી. સ્પર્ધા પૂર્વે ઉત્તરાખંડ ખાતે યોજાયેલા 10 દિવસીય રાષ્ટ્રીય કોચિંગ કેમ્પમાં તેણે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

ત્યારબાદ તા. 10 થી 14 જૂન, 2026 દરમિયાન ઢાકા (બાંગ્લાદેશ) ખાતે યોજાયેલીIHF Trophy Asia Zone-2 Junior Men’s Handball Championshipમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડી ભાવેશ તાવિયાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ભાવેશ તાવિયા હાલમાં સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીંબડીમાં સેમેસ્ટર-3માં અભ્યાસ કરે છે, જ્યાં શારીરિક શિક્ષણના અધ્યાપક ડો. વિપુલ પરમારના માર્ગદર્શન હેઠળ તેણે સતત પ્રગતિ કરી છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભાવેશ તાવિયા પાંચમો ખેલાડી બન્યો છે. તેમજ આંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ પુરુષ ખેલાડીઓમાં ભાવેશ તાવિયાનું નામ ગૌરવપૂર્વક નોંધાયું છે, જે સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગર્વની બાબત છે. આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા તેમજ યુનિવર્સિટીના તમામ શારીરિક શિક્ષણના અધ્યાપકોએ ભાવેશ તાવિયાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.