ડોલરના બદલામાં ભારતીય રૂૂપિયા અદા કરવા માટે આપેલો રૂૂા. 7.45 લાખનો ચેક રિટર્ન થયા અંગેના કેસમાં અદાલતે એચ.ડી.એફ.સી. બેંકના રિલેશનશિપ મેનેજર (એન.આર.આઈ.)ને બે વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ દંડ, તેમાંથી અડધી રકમ ફરિયાદીને ચુકવવાનો ચુકાદો ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં અક્ષરમાર્ગ-2, લાખના બંગલા વાળો રોડ, 80 ફુટ રોડ ઉપર રહેતા એચ.ડી.એફ.સી. બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે ઈમ્પિરીયલ રિલેશનશિપ મેનજર (એન.આર.આઈ. સર્વિસ) ભવ્યેશ ભોગીલાલ મંદાણીએ ગુંદાવાડી વિસ્તારમાં રહેતા પ્રફુલ્લ શાંતિલાલ પારેખ પાસેથી 10 હજાર યુ.એસ. ડોલર લઈ જે તે સમયે થતી ઈન્ડિયન કરન્સી મુજબની રકમ રૂૂા. 7.45 લાખ અદા કરવા ચેક આપ્યો હતો. જે ચેક પ્રફુલ્લ પારેખે નિયત તારીખે બેંકમાં રજુ કરતા ચેક લખનારના ખાતામાં અપુરતા નાણાના કારણોસર રિટર્ન થયો હતો, જે અંગે લીગલ નોટિસ આપવા છતા રકમ પરત નહી કરતા અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે ફરીયાદીના કાયદેસરના લેણા પેટે ચેક ઈશ્યુ કરી આપેલ હતો, ચેકની કે તેમાંની સહીની તકરાર નથી. તેમજ આ ચાલુ કેસ દરમિયાન આરોપીએ જુદા જુદા મુદ્દાઓ ઉભા કરી છેક હાઇકોર્ટ સુધી કરેલી રજુઆતો હાઈકોર્ટમાં પણ ટકેલ ન હતી, ત્યારે તેજ રજુઆતોનો લાભ આરોપીને મળી શકે નહી તે મતલબની દલીલો રજૂ કરવામાં આવી હતી.
તેમાં અદાલત દ્વારા રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લઈ ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપી ભવ્યેશ ભોગીલાલ મંદાણીને બે વર્ષની સજા ઉપરાંત ચેકની રકમનો ડબલ દંડ એક માસમાં ચુકવવો અને તે દંડની રકમમાંથી અડધી રકમ ફરીયાદી વળતર પેટે ચુકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ માસની એ રીતે સજા ફરમાવતો ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયા હતા.
