વાવડીમાં પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યાનો પ્રયાસ

રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે એક ખૂની હુમલાની ઘટના સામે આવી છે.મીરા કાસ્ટિંગ રોડ પર આવેલા રોયલ ઇનોવેશન કારખાના પાસે નજીવી વાતમાં…

રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે એક ખૂની હુમલાની ઘટના સામે આવી છે.મીરા કાસ્ટિંગ રોડ પર આવેલા રોયલ ઇનોવેશન કારખાના પાસે નજીવી વાતમાં ઉશ્કેરાઈ ગયેલા એક શખ્સે તેના જ મિત્ર જેવા સાથીદાર પર પથ્થર વડે હત્યાનો પ્રયાસ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ બિહારના અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા પ્રવિણકુમાર અવધકુમાર તિવારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટા ભાઈ સુધીરકુમાર સાથે આ ઘટના બની હતી.ગત બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં સુધીરકુમાર અને આરોપી બિલાલ ભટ્ટી વચ્ચે રોડ પર બોલાચાલી થઈ હતી.

ઘટનાની વિગતો મુજબ, આરોપી બિલાલ ભટ્ટી અને ભોગ બનનાર સુધીરકુમાર બંને વાવડી વિસ્તારમાં આવેલી ઈંડા અને મટનની દુકાને અવારનવાર જમવા આવતા હોવાથી એકબીજાથી પરિચિત હતા. બનાવના દિવસે આ બંને વ્યક્તિઓ દુકાન પાસે ઉભા રહીને પૈસાની બાબતે ઉગ્ર દલીલો કરી રહ્યા હતા. દુકાનદારો સાકીર શાહ અને અનિશ રાહીનીએ તેમને ત્યાં ઝઘડો કરવાની ના પાડતા તેઓ દુકાનથી થોડે દૂર એક ઝાડ નીચે ગયા હતા. ત્યાં મામલો વધુ બિચક્યો હતો અને આરોપી બિલાલે ઉશ્કેરાઈ જઈને જમીન પર પડેલો એક મોટો પથ્થર ઉપાડી સુધીરકુમારના માથાના ભાગે ઝીંકી દીધો હતો. આ જીવલેણ હુમલાને કારણે સુધીરકુમાર લોહીલુહાણ હાલતમાં ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા, જ્યારે હુમલો કરીને આરોપી બિલાલ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

હુમલા બાદ તાત્કાલિક સ્થાનિક લોકો અને દુકાનદારોએ ભેગા થઈ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા સુધીરકુમારને રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સાક્ષીઓએ સુધીરના જ મોબાઈલ પરથી તેના ભાઈ પ્રવિણકુમારને જાણ કરી હતી, જેઓ તુરંત હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખાતે હાજર સાક્ષીઓએ સમગ્ર ઘટનાક્રમની જાણકારી પ્રવિણને આપી હતી, જેના આધારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ તાલુકા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ રામજીભાઇ મેઘાણી આ કેસની તપાસ સંભાળી રહ્યા છે. પોલીસ દ્વારા નાસી છૂટેલા આરોપી બિલાલ ભટ્ટીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.