આંતરરાષ્ટ્રીય
ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચાર, ઇરાનના સુપ્રીમ લીડરનો આરોપ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ સોમવારે (16 સપ્ટેમ્બર) ભારત પર મુસ્લિમો પર દમન કરવાનો આરોપ લગાવ્યો હતો. ખામેનીએ પયગંબર મોહમ્મદની જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરના મુસ્લિમોને એક થવાનું આહ્વાન કરતા સંદેશમાં ભારત, ગાઝા અને મ્યાનમારમાં મુસ્લિમો પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.
X પરની તેમની પોસ્ટમાં આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું, ઇસ્લામના દુશ્મનોએ હંમેશા અમને ઇસ્લામિક ઉમ્મા તરીકેની અમારી સામાન્ય ઓળખથી ઉદાસીન બનાવવાનો પ્રયાસ કર્યો છે. જો આપણે મ્યાનમાર, ગાઝા, ભારત અથવા બીજે ક્યાંય પણ મુસ્લિમોનો સામનો કરી રહેલા વેદનાથી અજાણ હોઈએ તો આપણે આપણી જાતને મુસ્લિમ માની શકીએ નહીં.
હવે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીના આ કથિત આરોપ પર ભારતની પ્રતિક્રિયા પણ આવી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપોનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે અને ખમેનીના નિવેદનની નિંદા કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમે ભારતમાં લઘુમતીઓ વિશે ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સખત નિંદા કરીએ છીએ. આ ખોટી માહિતી પર આધારિત છે અને અસ્વીકાર્ય છે. લઘુમતીઓ પર ટિપ્પણી કરતા દેશોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અન્ય લોકો વિશે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા તેમના પોતાના રેકોર્ડ તપાસે.