Site icon Gujarat Mirror

રવિવારે અરવિંદ બારોટને ઝવેરચંદ મેઘાણી અને અભેસિંહ રાઠોડને હેમુ ગઢવી એવોર્ડ થશે એનાયત

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતની અસ્મિતા અને વિરાસત સમાન લોકકલા અને લોકસાહિત્યને જીવંત રાખનારા સંશોધકો અને કલાકારોના પ્રદાનને બિરદાવવા માટે આગામી તા.28/12ને રવિવારના બપોરના 03:00થી 05:00 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટ ગેલેરીમાં અરવિંદ બરોટને ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય ઍવોર્ડ’ – 2025 અને અભેસિંહ રાઠોડને ‘લોકગાયક હેમુ ગઢવી ઍવોર્ડ’ 2025 મોરારિબાપુના હસ્તે અર્પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાશે.

સંસ્થાના નિયામક પ્રોફે. જે.એમ. ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડનો મુખ્ય હેતુ આપણી આવતી પેઢી પોતાની સંસ્કૃતિ અને લોકકલાથી પરિચિત રહે તેમજ આ ક્ષેત્રમાં અમૂલ્ય ફાળો આપનાર સંશોધકો, લોકગાયકો અને લોકવાર્તાકારોનું ગૌરવપૂર્ણ સન્માન કરવાનો છે.

અરવિંદ બારોટનો જન્મ તા.28 ઑગસ્ટ, 1952ના રોજ થયેલો. તેમનું મૂળ વતન અમરેલી જિલ્લાનું સાવરકુંડલા છે. પરંતુ હાલ તેઓ અમદાવાદમાં રહે છે. અરવિંદભાઈને ગુજરાતની જનતા લોકગાયક તરીકે ઓળખે છે, પરંતુ તેઓ લોકસાહિત્ય, લોકપરંપરા અને લોકસંસ્કૃતિના મહત્ત્વના સંશોધક પણ છે.

લોકસાહિત્ય અને સંગીતક્ષેત્રે અરવિંદભાઈનાં બહુમૂલ્ય પ્રદાનને કારણે તેમને ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’, ’કવિ કાગ એવોર્ડ’, ’સંસ્કાર વિભૂષણ પુરસ્કાર’, ’અંજુ નરસિંહ એવોર્ડ’ અને ગુજરાત સાહિત્ય અકાદમી તફથી ‘શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક’ એમ અનેક પુરસ્કારોથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આજે 73 વર્ષની ઉંમરે પણ તેઓ લોકસંગીત અને લોકસાહિત્યના સંશોધનક્ષેત્રે પૂરી નિષ્ઠા અને નિસબતથી કામ કરે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડનું નામ વિશ્વ સમસ્તમાં ગાજતું કરનાર અને જેમનું ખુદનું નામ પણ ગુજરાતના લોકકલા અને શિક્ષણ જગતમાં ખૂબ આદર અને અદબથી લેવાય છે એવા લોકગાયક અભેસિંહ રાઠોડે ગુજરાતના લોકગીતોને એનાં મૂળ ઢાળમાં ગાઈને સમસ્ત વિશ્વમાં પહોંચાડવાનું એક ભગીરથ અને અમૂલ્ય કામ કર્યું છે.

Exit mobile version