જીમ ટ્રેનર પાસેથી ગઠિયાએ ગોવામાં વિલા ભાડે અપાવવાના બહાને 20 લાખ પડાવ્યા

રેલનગર વિસ્તારમાં ઇસ્કોન આશ્રય પાસે રહેતા અને વ્યવસાયે જીમ ટ્રેનર તરીકે કામ કરતા સુનિલ કાળીદાસ ચાવડા(ઉ.38) સાથે ગોવામાં વિલા ભાડે રાખવાના નામે 20.06 લાખ રૂપિયાની…

રેલનગર વિસ્તારમાં ઇસ્કોન આશ્રય પાસે રહેતા અને વ્યવસાયે જીમ ટ્રેનર તરીકે કામ કરતા સુનિલ કાળીદાસ ચાવડા(ઉ.38) સાથે ગોવામાં વિલા ભાડે રાખવાના નામે 20.06 લાખ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આરોપીએ ફરિયાદીને ગોવામાં વિલા ભાડે રાખી સારા વળતરની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં ન તો વિલા ભાડે રાખ્યો કે ન તો રોકાણ કરેલા રૂપિયા પરત કર્યા હતા.

ફરિયાદી છેલ્લા સાત વર્ષથી સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગમાં પર્સનલ ટ્રેનર તરીકે કામ કરતા હતા, જ્યાં તેમની ઓળખ આરતીબેન અગ્રવાલ સાથે થઈ હતી. એપ્રિલ 2024માં આરતીબેનના સસરાના અવસાન બાદ તેમના ભાઈ અનુજ અનીલભાઈ કોકરા સાથે ફરિયાદીની મુલાકાત થઈ હતી. અનુજે પોતે ગોવામાં વિલા ભાડે રાખીને તેને દૈનિક ધોરણે અન્યને ભાડે આપવાનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું અને તેમાં માસિક 10 ટકા જેટલું સારું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરી હતી. અનુજની વાતોમાં આવી જઈને ફરિયાદીએ રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી, જેમાં આરોપીએ ઓછામાં ઓછા ત્રણ વિલા માટે 20 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે તેમ જણાવ્યું હતું.

આરોપીના વિશ્વાસમાં આવીને ફરિયાદીએ નવેમ્બર 2024થી જુલાઈ 2025 દરમિયાન વિવિધ તારીખે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ 12,56,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, અનુજની સૂચના મુજબ એક વ્યક્તિને રૂ. 7,50,000 રોકડા પણ આપ્યા હતા, જેનો કુલ આંકડો 20,06,000 રૂપિયા થવા જાય છે. જોકે, ફરિયાદી જ્યારે ગોવા ગયા ત્યારે તેમને કોઈ સ્પષ્ટ વિગતો આપવામાં આવી ન હતી અને માત્ર વાયદાઓ જ કરવામાં આવ્યા હતા.વારંવાર નાણાંની માંગણી કરવા છતાં આરોપીએ ન તો વળતર આપ્યું કે ન તો મૂળ રકમ પરત કરી હતી. છેવટે છેતરાયા હોવાનું જણાતા ફરિયાદીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અનુજ અનીલભાઈ કોકરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે.