ગુજરાત
કેશડોલ્સ ચૂકવણીમાં વિલંબ થતાં અસરગ્રસ્તોમાં રોષ
શહેરના છ વોર્ડમાં સરવે હાથ ધરાયો હતો, આવેદન અપાયું
જામનગર શહેરમાં ગત 27મી ઓગસ્ટે થયેલા ભારે વરસાદના કારણે થયેલા નુકસાન બદલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કેસડોલ્સ સહાય ચુકવણીમાં વિલંબ થઈ રહ્યો છે. વોર્ડ નંબર 1, 4, 10, 11, 12 અને 16 જેવા નીચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્તોએ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ પણ કેસડોલ્સની રકમ મળી ન હોવાની ફરિયાદ કરી છે. આ અંગે અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, સર્વે પ્રક્રિયા પૂર્ણ થયાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી કેટલાક વિસ્તારોના લોકોને કેસડોલ્સ મળ્યા નથી. આ અંગે સંબંધિત અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સુનાવણી મળી રહી નથી. જો આગામી દિવસોમાં કેસડોલ્સ ચુકવવામાં ન આવે તો અસરગ્રસ્તો દ્વારા સેવા સદન સામે ધરણાનું આયોજન કરવામાં આવશે અને એસપીને આવેદન પત્ર આપવામાં આવશે.