પડતર પ્રશ્ર્નો મામલે આંગણવાડી કર્મચારીઓની રેલી, આવેદન

રાજ્યમાં લાંબા સમયથી પડતર માંગણીઓ અને કથિત શોષણના વિરોધમાં આંગણવાડી વર્કર અને હેલ્પરો મેદાને આવ્યા છે. ’સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન’ સંલગ્ન ગુજરાત આંગણવાડી કર્મચારી…

રાજ્યમાં લાંબા સમયથી પડતર માંગણીઓ અને કથિત શોષણના વિરોધમાં આંગણવાડી વર્કર અને હેલ્પરો મેદાને આવ્યા છે. ’સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન’ સંલગ્ન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા એક પત્રિકા જારી કરીને સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર “જબ્બર મહા પડાવ” માં મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. સંગઠને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, “જબ્બર પડાવ સિવાય હવે કોઈ રસ્તો નથી,” અને સરકારે તાત્કાલિક નિર્ણાયક બેઠક બોલાવી પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. રાજકોટ ખાતે આંગણવાડીની 500 જેટલી બહેનોએ હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

કોરોના રસીકરણ અને પોલિયો નાબૂદી જેવા મહત્વના અભિયાનોમાં 100% સહયોગ છતાં કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. તેમને બીએલઓ વસ્તી ગણતરી અને હદ તો એ છે કે કુતરા ગણવાની કામગીરી પણ સોંપવામાં આવે છે. બિલ મોડા મળવા છતાં આંગણવાડી બહેનોએ ગુજરાતમાં એક પણ બાળકને પોષણ આહાર વિના રહેવા દીધું નથી અને જરૂૂર પડ્યે સ્વખર્ચે પોષણ આહાર પૂરો પાડ્યો છે. વર્ષ 2018 પછી કેન્દ્ર સરકારે વેતનમાં કોઈ વધારો કર્યો નથી. ગુજરાત હાઈકોર્ટે વ્યાજબી પગાર નક્કી કરી આપ્યો હોવા છતાં, સરકારે તે ચૂકવવાને બદલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. વર્ષ 2022માં ગ્રેચ્યુટી અંગેના ચુકાદામાં પણ પગારો ઓછા હોવાનું સ્પષ્ટ થયું હોવા છતાં વેતનમાં વધારો કરાયો નથી.

આ પ્રોજેક્ટના 50 વર્ષ વીતી જવા છતાં આંગણવાડી કર્મચારીઓને કાયમી કરાયા નથી કે કાયમી નોકરિયાતોને મળતા લાભો અપાતા નથી. વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના નેતાઓની સભામાં ભીડ એકઠી કરવા માટે ફરજિયાત હાજર રહેવા દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.સંગઠની લડાઈ શોષણ સામેની હકની લડાઈ” ના નારા સાથે એકસંપ થઈને આંદોલન માટે હાકલ કરી છે. પત્રિકામાં રોષ વ્યક્ત કરાયો છે કે નાના બાળકો અને સુવાવડી માતાઓ પ્રત્યે પણ સંવેદના દાખવવામાં આવતી નથી અને ભારે કામના બોજ સામે લઘુત્તમ વેતન પણ મળતું નથી.હવે તમામની નજર એ વાત પર છે કે સરકાર સપ્ટેમ્બર મહિનામાં ઘોષિત થયેલા આ “મહા પડાવ” પહેલા આ કર્મચારીઓની સમસ્યાઓનો કોઈ નક્કર ઉકેલ લાવે છે કે કેમ.