ભગવતીપરામાં ગોલાના ધંધાર્થીને છરી ઝીંકી અજાણ્યા શખ્સે પાંચ હજારની લૂંટ ચલાવી

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ અવારનવાર મારામારી અને લુંટની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતો પરપ્રાંતિય…

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ અવારનવાર મારામારી અને લુંટની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતો પરપ્રાંતિય યુવાન નવાગામથી પોતાની ગોલાની લારી લઈ મધરાત્રે ઘરે પરત ફરતો હતો ત્યારે અજાણ્યા શખ્સે રસ્તામાં આંતરી બરફ માંગી યુવાન ઉપર છરી વડે હુમલો કરી વકરો કરેલી રૂા.5000ની રોકડની પેટી લઈ નાસી છુટયો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા ભગવતીપરા વિસ્તારમાં રહેતો હરીબચ્ચન રામભાઈ લોધી નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં ભગવતીપરા પુલ ઉપર હતો ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં હરીબચ્ચન લોધી મુળ ઉત્તર પ્રદેશનો વતની છે અને રાજકોટમાં ભગવતીપરામાં રહી ગોલાની લારી ચલાવે છે. ગત રાત્રે નવાગામથી ગોલાની લારી લઈ ભગવતીપરામાં પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સે રસ્તામાં આંતરી બરફ માંગ્યો હતો. હરીબચ્ચન લોધીએ બરફ નહીં હોવાનું કહેતાં અજાણ્યા શખ્સે પેટમાં છરી ઝીંકી વકરાના રૂા.5000ની રોકડની પેટી લઈ નાસી છુટયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.