વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાં ઝાડ સાથે લટકતી લાશ મળી

બંને હાથ બાંધેલા હોવાથી શંકા ઉપજતાં મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવાયું ધ્રાંગધ્રા નજીક આવેલા વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાંથી ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી…

બંને હાથ બાંધેલા હોવાથી શંકા ઉપજતાં મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવાયું

ધ્રાંગધ્રા નજીક આવેલા વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાંથી ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતદેહના બન્ને હાથ બાંધેલા હોય જેથી શંકા ઉપજતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક ઘરેથી કામ ઉપર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો.

જાણવા મળતી વિગત મુજબ, ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે રહેતો સંજય રમેશભાઈ ધામેચા (ઉ.26) નામનો યુવાન ગત તા.13નાં સવારે ઘરેથી કામ ઉપર જવાનું કહીને નીકળ્યા બાદ લાપત્તા થઈ ગયો હતો. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો નહીં લાગતાં પોલીસમાંથી ગુમસુદ અરજી કરી હતી. દરમિયાન ધ્રાંગધ્રાના જંગલમાં પાણાની ખાણ પાસે ઝાડ સાથે દોરડું બાંધી લટકતી હાલતમાં સંજયનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

મૃતદેહના બન્ને હાથ બાંધેલી હાલતમાં હોય જેથી આપઘાત અંગે શંકા ઉપજતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું સાચુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.