Site icon Gujarat Mirror

મોરબીના રાજપર ગામે રમકડાંની બેટરી ફાટતાં આઠ વર્ષનો માસૂમ દાઝ્યો

oplus_2097184

મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં રમકડાની બેટરી ફાટવાને કારણે એક આઠ વર્ષનો માસૂમ બાળક ગંભીર રીતે દાઝી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજપર ગામની વાડીમાં ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા વેરુંભાઈ ગામડનો આઠ વર્ષનો પુત્ર બાદલ પોતાની વાડીએ હાજર હતો.

આ દરમિયાન તેને કચરામાંથી એક રમકડાની બેટરી મળી આવી હતી. આ અજાણ્યા પદાર્થ જેવી બેટરી સાથે બાળક જ્યારે રમી રહ્યો હતો, ત્યારે અચાનક જ પ્રચંડ ધડાકા સાથે બેટરી ફાટી હતી, જેના કારણે માસૂમ બાદલના શરીરના ભાગો ગંભીર રીતે દાઝી ગયા હતા.ઘટના બાદ તરત જ પરિવારજનો દ્વારા ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક અસરથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સઘન સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દાઝી ગયેલો આઠ વર્ષનો બાદલ તેના પરિવારમાં બે બહેનોનો એકનો એક નાનો ભાઈ છે. તેના પિતા અહીં રહીને ખેતીકામ કરે છે અને પરિવારનું ભરણપોષણ કરે છે, ત્યારે અચાનક બનેલી આ ઘટનાએ પરિવારને સ્તબ્ધ કરી દીધો છે.બીજી તરફ, આ બનાવ અંગેની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ સક્રિય થઈ છે. પોલીસે હોસ્પિટલ પહોંચી બાળકની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અને આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Exit mobile version