બજરંગવાડીનો બનાવ: અવાર-નવાર દારૂ પી માથાકૂટ કરતો હોવાનો આક્ષેપ
શહેરના બજરંગવાડી વિસ્તારમાં લુખ્ખા શખ્સોનો ત્રાસ સામે આવ્યો છે. છાસની થેલી બદલી આપવાનુ કહેતા લુખ્ખા શખ્સે અમૂલ પાર્લરના ધંધાર્થી ઉપર કુહાડી વડે હૂમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં રાધીકાડેરીની સામે રહેતો અને બજરંગવાડી શેરી નં.5માં અમૂલ પાર્લર ચલાવતો ધવલ રણજીતભાઇ ચૌહાણ (ઉ.વ.27)નામનો યુવાન આજે બપોરે પોતાની દૂકાન પર હતો ત્યારે તેજ વિસ્તારમાં રહેતા રફીક નામના શખ્સે આવી છાસની થેલી બદલી આપવા કહ્યુ હતુ. પરંતુ આ છાસ બીજી કંપની હોવાથી ધવલે આજ છાસ તમે બીજેથી લીધી છે.
બદલી નહીં દઉ તેમ કહેતા રફીકે છાસ ત્યા ઢોળી નાખી ઝઘડો કરવા લાગ્યો હતો બાદમાં ઘરેથી કુહાડી લઇ આવી ધવલ ઉપર કુહાડી વડે હૂમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત ધવલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી રફીક અવાર નવાર દારૂ પી તેના પાર્લરે આવી માથાકૂટ કરતો હોવાનુ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત યુવાનનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

