આંતરરાષ્ટ્રીય
અમિત શાહે હિંસા ભડકાવી, કેનેડા સરકારનો પુરાવા વગર મોટો આરોપ
કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વધુ બગડવાની શક્યતા છે. હવે સમાચાર એ છે કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. જો કે, આ માટે કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. હાલમાં આ અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અગાઉ કેનેડાએ ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માને એક કેસની તપાસમાં રસ ધરાવતા વ્યક્તિ તરીકે જાહેર કર્યા હતા. ભારતે કેનેડાના આરોપોને નકારી કાઢ્યા હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ, મંગળવારે કેનેડાની સરકારે આરોપ લગાવ્યો છે કે કેનેડામાં શીખ અલગતાવાદીઓને નિશાન બનાવવામાં શાહનો હાથ છે. રિપોર્ટ અનુસાર, વોશિંગ્ટન પોસ્ટ અખબારે પહેલા અહેવાલ આપ્યો હતો કે કેનેડિયન અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે શાહ શીખ અલગતાવાદીઓ વિરુદ્ધ હિંસામાં સામેલ હતા.
ન્યૂઝ એજન્સી અનુસાર, કેનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મોરિસને સંસદીય પેનલને કહ્યું કે, તેમણે પોસ્ટને જાણકારી આપી છે કે ષડયંત્ર પાછળ શાહનો હાથ છે. મોરિસને સમિતિને કહ્યું, પત્રકારે મને પૂછ્યું કે શું તે, એટલે કે શાહ, તે જ વ્યક્તિ હતા, તો મેં પુષ્ટિ કરી કે હા તે જ વ્યક્તિ છે. ખાસ વાત એ છે કે આ વખતે પણ તેણે કોઈ માહિતી કે પુરાવા શેર કર્યા નથી.
ગયા વર્ષે કેનેડાના પીએમ ટ્રુડોએ પણ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને ભારત સરકાર સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે પછી પણ તેણે આ સંબંધિત કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. થોડા દિવસ પહેલા જ તેણે કબૂલ્યું હતું કે આરોપ લગાવતી વખતે તેની પાસે માત્ર ગુપ્ત માહિતી હતી, પરંતુ કોઈ નક્કર પુરાવા નથી.
સંજય વર્માને પર્સન ઓફ ઈન્ટરેસ્ટ બનાવ્યા બાદ ભારતે કેનેડા વિરુદ્ધ કાર્યવાહી કરી અને છ રાજદ્વારીઓને બહાર મોકલી દીધા. કેનેડામાંથી પોતાના 6 રાજદ્વારીઓને પણ પાછા બોલાવ્યા.