જંગલેશ્વર ડિમોલિશનના આક્રંદ વચ્ચે કાજુ કતરી સહિત 27 લાખની જિયાફત

મહાનગરપાલિકાના સ્ટાફનો ખાણી-પીણીનો અધધધ.. ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાતા નવો વિવાદ: બેઘર પરિવારો ચોધાર આસુએ રડતા હતા અને બાબુઓએ લાખોના ખર્ચે ખજૂર રોલ, ખમણ, સમોસા સહિતની…

મહાનગરપાલિકાના સ્ટાફનો ખાણી-પીણીનો અધધધ.. ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાતા નવો વિવાદ: બેઘર પરિવારો ચોધાર આસુએ રડતા હતા અને બાબુઓએ લાખોના ખર્ચે ખજૂર રોલ, ખમણ, સમોસા સહિતની વાનગી પેટભરીને ઝાપટી

ઉપર આભ અને નીચે ધરતી જેની પાસે હોય એને ખબર પડે કે કેવી પીડા સહન કરવી પડે. આવી જ હાલત રાજકોટના ઐતિહાસીક જંગલેશ્વર ડિમોલિશન વખતે જોવા મળી હતી. નજર સામે આશિયાનો કડડભૂસ થતો હતો. બાળકો, વૃધ્ધોની મનોદશા એ હતી કે હવે ક્યા આસરો લેવા જશુ? કોણ સાચવશે? પેટનો ખાડો પુરવા ક્યા જવુ? આ બધી પીડા વચ્ચે ડિમોલિશનના સ્ટાફને ફટ કહેવુ પડે તેવી એક માનવતાવિહોણી હકિકત સામે આવી છે. ડિમોલિશન જેટલા દિવસો ચાલ્યુ એટલા દિવસોમાં બેઘર પરિવારોના આક્રંધ વચ્ચે કાજુ કતરી, ખજુર રોલ, સમોસા, ખમણ સહિતની વાનગીઓની જિયાફત ઉડડતી હતી. સરકારી બાબુઓ અને ડિમોલિશનમાં રોકાયેલા સ્ટાફે મનભરીને જિયાફત માણી હતી. આગામી સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં જિયાફતનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત આવી ત્યારે માનવતાવિહોણી મીજબાનીનો આ ભાંડાફોડ થયો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 21 થી 27 ફેબ્રુઆરી સુધી જંગલેશ્ર્વરમાં ચાલેલા મેગા ડિમોલિશનમાં મેન પાવર અને મશીન પાવરનો ભરપૂર ઉપયોગ કરાયો હતો. ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા, પોલીસ સ્ટાફ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ડિમોલિશન દરમિયાન કરાયેલી વ્યવસ્થા મુજબ ચા કોફી, બિસ્કિટ કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા વેફર્સ ગાંઠિયા જલેબી પૌઆ, અને સ્પેશ્યલ લંચ ડીસ તેમજ મસાલા છાશ પાછળ થયેલા રૂૂ. 27,20,946નો ખર્ચ મંજૂર કરવા માટે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ખર્ચ મંજૂર કરવો કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.

મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.16માં જંગલેશ્ર્વર વિસ્તારમાં આજીનદી પટમાં થયેલા દબાણ અને ટીપી સ્કીમ નં. 6 હેઠળના 15 મીટર ટીપી રોડ પર થયેલા દબાણો દુર કરવા મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરીમાં ફરજ પર રહેલા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના કર્મચારીઓ માટે ચા કોફી બ્રેકફાસ્ટ અને લંચ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ દિવસો દરમિયાન 21,310 કપ ચા બિસ્કિટ, ઉપરાંત 150 નંગ કાજુ કતરી, ખજૂર રોલ ખમણ સમોસા, વેફર્સ 50 નંગ ગાંઠિયા જલેબી, પૌઆ, 360 નંગ બ્રેક ફાસ્ટ, લંચ મળીને રૂૂ. 6,30,946નો ખર્ચ થયો હતો.

જ્યારે તો 21 થી તા. 27 ફેબ્રુઆરી દરમિયાન પ્રેમાવતીમાંથી 13390 ડીસ સ્પેશ્યલ લંચ અને મસાલા છાશ તેમ ચાર હજાર નંગ લીંબુ આદુ સરબત બોટલ સહિત કુલ રૂૂ.20,68,500નો ખર્ચ થયો હતો. આ બન્ને મળીને કુલ રૂૂ. 27,20,946નો ખર્ચ કરવામાં આવ્યો હતો. ડિમોલિશન દરમિયાન ટુંકો સમયગાળો હોય ભાવો મંગાવવાની નિયત પ્રક્રિયા કરવામાં આવી નહોતી કે કોઇ કરાર કરાયો નથી.

વેરા વસૂલાત શાખાના એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ માટે મોબાઇલ એલાઉન્સ
આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના હેઠળ વેરા વસુલાત શાખામાં ફરજ બજાવતા એપ્રેન્ટીશ તાલીમાર્થીઓ દ્વારા મિલકતધારકોને બાકીવેરો વસુલવા માટે ટેલિફોનિક સંપર્ક દ્વારા કામગીરી કરી હોય માસિક સ્ટાઈપેન્ડ ઉપરાંત માસિક કોલિંગ ખર્ચ થયો હોય માસિક રૂૂ. 350 લેખે તાલીમાર્થીદીઠ રૂૂ. 21 હજારનો ખર્ચ મંજૂર કરવા માટે દરખાસ્ત કરાઇ છે.

પોરાનાશક કામગીરી માટે ડ્રોન ટેકનોલોજી દ્વારા કામગીરી માટે દરખાસ્ત
મહાનગરપાલિકા દ્વારા પોરાનાશક કામગીરી હેઠળ ડ્રોન ટેકનોલોજી દ્વારા પોટેન્શિયલ મોસ્કીટો સોર્સનો સર્વે કરવા લાર્વાસાઇડ ટ્રીટમેન્ટ કામગીરી હેઠળ દ્વી વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે ત્રણ એજન્સીઓએ બીડ રજૂ કરી હતી. જેમાં એક એજન્સી ગેરલાયક ઠરી હતી. અન્ય બે એજન્સીઓમાં પ્રાઇમ યુ.એ.વી. પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજુ કરાયેલા ભાવમાં બ્રિડીંગ સોર્સ શોધવા પ્રતિ એક સ્કેવર કિ.મીના રૂૂ.63,18,000 અને દવા છંટકાવ માટે રૂૂ. 18,50,000નો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત કરાઇ છે.