ખંભાળિયામાં ‘અછત’ વચ્ચે ડીઝલની સંગ્રહાખોરી પર તવાઇ

માછીમારી બોટના ટોકનને આધારે અલગ-અલગ પંપ પરથી નાના-મોટા બેરલ ભર્યાની આરોપીની કબૂલાત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પેટ્રોલ-ડીઝલની અછત અંગેની ચાલતી અફવાઓ વચ્ચે ગેરકાયદેસર રીતે પેટ્રોલ…

માછીમારી બોટના ટોકનને આધારે અલગ-અલગ પંપ પરથી નાના-મોટા બેરલ ભર્યાની આરોપીની કબૂલાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પેટ્રોલ-ડીઝલની અછત અંગેની ચાલતી અફવાઓ વચ્ચે ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. ડી.એ. વાળા તેમજ સ્ટાફ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં પેટ્રોલિંગ અમને કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરમિયાન એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ વાઘેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ પાસે પહોંચતા આ માર્ગ પર પસાર થઈ રહેલું જી.જે. 05 બી.યુ. 6332 નંબરનું એક અશોક લેલેન્ડ પીકઅપ વન નીકળતા તેને અટકાવી, ચેકિંગ કરતા આ વાહનમાં 1000 લીટર ડીઝલનો જથ્થો હોવાનું ખુલવા પામ્યું હતું.

આ અંગે પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા આ વાહનના ચાલક ભીખુ ગોવિંદભાઈ ખીમાભાઈ પિંડારિયા (ઉ.વ. 28, રહે. લાલુકા ગામ, તા. ખંભાળિયા) ની પૂછપરછ કરતા હાલ માછીમારી બોટના ટોકનના આધારે ફિશીંગ વિભાગ દ્વારા માન્ય ડીઝલના પંપમાંથી તેણે આ વાહનમાં જુદા જુદા છ નાના-મોટા બેરલ – કેરબામાં તેણે ડીઝલ ભરી અને આ ડીઝલનો જથ્થો સલાયાના રહીશ હારુન આદમ જસરાયા પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી.

હાલની પરિસ્થિતિમાં ખેતીવાડીના કામકાજ તથા જેસીબી અને ટ્રેક્ટરમાં વપરાશ અર્થે મોટી માત્રામાં ડીઝલ મળતું ન હોય, જેથી તેણે સલાયાથી ઉપરોક્ત ડીઝલ મેળવ્યું હોવાનું અને આ અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાનું વધુમાં જાહેર થયું છે.

આથી એસ.ઓ.જી. પોલીસે રૂપિયા 93,650 ની કિંમત નું 1,000 લીટર ડીઝલ તથા રૂપિયા દોઢ લાખની કિંમતનું અશોક લેલેન્ડ પીકઅપ વન મળી, કુલ રૂપિયા 2,43,650 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા પી.એસ.આઈ. ડી.એ. વાળા તેમજ સ્ટાફના રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, સ્વરૂપસિંહ જાડેજા, કિશોરભાઈ ડાંગર અને સંજયભાઈ વારોતરીયા દ્વારા કરવામાં આવી હતી.

ભાણવડમાંથી 900 લીટર બાયોડીઝલના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
1.34 લાખનો મુદ્દામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા શનિવારે ભાણવડ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ચિરાગસિંહ જાડેજા, ભરતભાઈ બેડીયાવદરા અને નિતેશભાઈ સાદીયાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તરફથી આવી રહેલા જી.જે. 13 એ.ટી. 3,908 નંબરના એક છકડા રીક્ષાના ચાલકને રાણપરડા ગામના પાટિયા પાસે અટકાવી ચેકિંગ કરતા આ રીક્ષાના ચાલક એવા ભાણવડ તાલુકાના ઢેબર ગામના આમદ જુમા ઇબ્રાહીમ હીંગોરા (ઉ.વ. 39) પાસે તેના છકડા રિક્ષામાં રહેલા આ વ્હાલનશીલ પ્રવાહી અંગે કોઈ આધાર પુરાવા ન હતા. સંભવિત રીતે આ બાયોડીઝલ ઇંધણનો ગેરકાયદેસર જથ્થો હોવાનું જણાતા પોલીસે ચાર બેરલ તથા ત્રણ પ્લાસ્ટિકના કેળબામાં લઈ જવાતો 900 લીટર ડીઝલનો આ જથ્થો કબજે કરી, આ પ્રકરણમાં રીક્ષા ચાલક આમદ હીંગોરાની પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 79,200 ની કિંમતનો 900 લીટર ડીઝલનો જથ્થો તેમજ રૂપિયા 55,000 ની કિંમતનો છકડા રીક્ષા મળી કુલ રૂપિયા 134,200 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.