બાળકની સાઈકલ કારને અડી જતા માથાકૂટ: પૈસા માંગી મહિલાના વાળ ખેંચી ફડાકા ઝીંકી દીધા

રાજકોટ શહેરના વાવડીમાં આવેલી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં બાળકની નાની સાયકલ કાર સાથે અથડાવાની નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. ટાઉનશીપના વિંગ નં. એલ-1 માં રહેતા પ્રજાવતીબેન…

રાજકોટ શહેરના વાવડીમાં આવેલી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં બાળકની નાની સાયકલ કાર સાથે અથડાવાની નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. ટાઉનશીપના વિંગ નં. એલ-1 માં રહેતા પ્રજાવતીબેન રાજેશભાઈ ઈગોલેના 12 વર્ષના પુત્ર કાવ્યની સાયકલ સામેની વિંગમાં રહેતા મિલન નામના શખ્સની કાર સાથે અડી ગઈ હતી. આ બનાવને પગલે મિલન અને તેના બે મિત્રો ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સાયકલ અથડાવાથી કારમાં રૂૂ. 50,000 નું ભારે નુકસાન થયું છે અને તેનો ખર્ચ કોણ આપશે તેવો હિસાબ માગ્યો હતો.નુકસાન કેટલું થયું છે તે જોવા માટે પ્રજાવતીબેન પોતાના પુત્ર સાથે કાર પાસે ગયા હતા.

ત્યાં કારના પાછળના બમ્પર પર માત્ર એક નાનો લીસોટો જોવા મળ્યો હતો. મિલનના મિત્રો મોટેથી રાડો પાડીને નુકસાન બતાવી રહ્યા હોવાથી મહિલાએ તેમને શાંત રહેવા કહ્યું હતું. આ બાબતથી ઉશ્કેરાઈ જઈને મિલને મહિલાને જાહેરમાં ભુંડી ગાળો આપી હતી અને મોઢાના ભાગે બે ફડાકા મારી દીધા હતા. આટલું જ નહીં, મિલનના બે અજાણ્યા મિત્રોએ પાછળથી મહિલાના વાળ ખેંચ્યા હતા અને મિલને પાછળથી લાત મારી હતી. તદુપરાંત, કારના નુકસાનનો ખર્ચ ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ હુમલા બાદ ભયભીત થયેલી મહિલા પોતાના ઘરે જતી રહી હતી, પરંતુ થોડી વાર પછી મિલનની માતા રમાબેન, પત્ની હીના અને મિલને ફરી બ્લોકની નીચે આવીને ગાળાગાળી કરી હતી. મહિલાના પતિ રાજેશભાઈ કારખાનેથી ઘરે પરત ફરતાં આ તમામ શખ્સોએ તેમની સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. મિલને મહિલાના પતિને ધમકી આપી હતી કે “હવે હું તમને અહીં રહેવા નહીં દઉં”. આ સમગ્ર ઘટના દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ જતાં મામલો બિચકતો અટક્યો હતો.બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રજાવતીબેન ઈગોલેની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મિલન, તેની પત્ની હીના, મમ્મી રમાબેન તથા બે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 115(2), 352, 351(3) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.