અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખુશાલીનો માહોલ છવાયો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલા તમામ ચેકડેમો અને જળ સ્ટ્રક્ચરો આ વરસાદને કારણે સંપૂર્ણપણે ભરાઈને ઓવરફ્લો થઈ ગયા છે. વર્ષોથી પાણીની તંગી વેઠતા આ વિસ્તારોમાં નદી-નાળા અને ચેક ડેમો છલકાઈ જતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ખુશાલીની લાગણી વ્યાપી ગઈ છે.
તાજેતરના વરસાદથી ચેકડેમો ઓવરફ્લો થવાના કારણે અમરેલી જિલ્લામાં પાણીની કટોકટી ભૂતકાળ બની જશે. આ જળસંચય સ્ટ્રક્ચરોમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના સીમ વિસ્તારોના કુવા અને બોરવેલના ભૂગર્ભ જળના તળ ખૂબ જ ઊંચા આવશે. તળ ઊંચા આવવાના કારણે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થશે અને ઉનાળાના આકરા દિવસોમાં પણ પાણીની અછત વર્તાશે નહીં. ચેકડેમો ભરાઈ જવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે.
આનાથી પાકના ઉત્પાદનમાં મોટો અને સકારાત્મક ફેરફાર જોવા મળશે. ખેડૂતો હવે કપાસ, મગફળી જેવા ખરીફ પાકની સાથે-સાથે શિયાળુ (રવિ) પાક જેવા કે ઘઉં, જીરું અને ચણાનું બમણું ઉત્પાદન મેળવી શકશે તેમજ પૂરતા પાણીના કારણે પાકની ગુણવત્તા સુધરશે અને સુકારા જેવા રોગો સામે પાકનું રક્ષણ થશે. પાણીની ઉપલબ્ધતા વધતાં પશુઓ માટે લીલા ઘાસચારાની અછત દૂર થશે, જેનાથી પશુપાલન ઉદ્યોગને પણ મોટો વેગ મળશે.
