Site icon Gujarat Mirror

એઈમ્સના તબીબના આપઘાત પ્રકરણમાં પાંચેય આરોપીએ MBBSની પરીક્ષા આપી

મૃતકની સ્યુસાઈડ નોટના આધારે સાથી છાત્રો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી

પાંચેય આરોપીની પજવણીથી કંટાળી ઈન્ટર્ન તબીબે આપઘાત કર્યો હતો, રેગીંગ કરાવી હેરાન કરતા હતા કે શું? તપાસ હાથ ધરાઈ

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની તબીબ ડો. રતન મેઘવાળ (ઉ.વ. 26)ના આપઘાત કેસમાં પોલીસે એઈમ્સના જ પાંચ ઈન્ટર્ની ડોક્ટર પ્રવીણ પાલીવાલ (રહે. રાજસ્થાન), અશ્મીત શર્મા (રહે. રાજસ્થાન), આયુષ યાદવ (રહે. ભરૂૂચ), નિર્વિદમાન યાદવ (રહે. હરિયાણા) અને યુવરાજ ચૌધરી (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી તપાસના અંતે તમામને જેલ હવાલે કર્યા હતા.આ બનાવમાં પોલીસે જણાવ્યું હતું કે,આજે એમબીબીએસના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા હોય જેલમાં રહેલા પાંચેય આરોપી તબીબોને પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપવા લઈ જવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ વિગતો મુજબ,મૃતક રતન મેઘવાળ મૂળ રાજસ્થાનનો હતો. જામનગર રોડ પરના પરાપીપળીયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી તેણે આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી સુસાઈડ નોટ મળી હતી. જેના આધારે પોલીસે તેના પિતા મોહનલાલ બીજલારામ મેઘવાળની ફરિયાદ પરથી પાંચેય ઈન્ટર્ની ડોક્ટરો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.એટ્રોસિટીની કલમ પણ હોવાથી આ કેસની તપાસ એસસી, એસટી સેલના એસીપીને સોંપવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગત જાન્યુઆરી માસમાં પણ રતન મેઘવાળે પરાપીપળીયા પાસે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે વખતે તેનો બચાવ થતાં તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તેને વાલીઓને ત્યાં રાજસ્થાન મોકલી દેવામાં આવ્યો હતો.

રાજસ્થાનમાં પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રાજસ્થાનથી એઈમ્સમાં પરત ફર્યા બાદ આખરે તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને જાણવા મળ્યું છે કે તેની માનસિક બીમારીને લગતી દવા પણ ચાલુ હતી. તેને ઘણા સમયથી આત્મહત્યાના વિચારો પણ આવતા હતા.તપાસ સાથે સંકળાયેલી પોલીસે જણાવ્યું કે આરોપીઓ તેને કઈ રીતે ત્રાસ આપતા હતા તેનો સુસાઈડ નોટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આરોપીઓ રેગીંગ કરતા હતા કે કેમ તે બાબતે તપાસ હાલ ચાલુ છે.

આરોપીઓ મૃતકના બેચમેટ અને મિત્રો પણ છે. કેવા સંજોગોમાં મૃતકે આત્મઘાતી પગલું ભરી લીધું, આરોપીઓની તેમાં શું ભૂમિકા હતી તે અંગે એસીપી ચિંતન પટેલે તપાસ શરૂૂ કરી છે. પાંચ-પાંચ તબીબી છાત્રો આરોપી હોવાથી કઈ કાચું ન કપાય તે માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ જારી રાખી છે. મૃતકને બે ભાઈઓ છે. છેલ્લા ચાર વર્ષથી એઈમ્સમાં અભ્યાસ કરતો હતો. હાલ ફાઈનલ વર્ષમાં હતો. તેના પિતાને જેસલમેરના પલસુંડ ગામમાં ઘડિયાળની દુકાન છે.

Exit mobile version