રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં માચડો તૂટ્યો, એકલા હાથે ચૂંટણી લડવાની અજિત પવારની જાહેરાત

Published

on

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એલાન કર્યું કે મારી આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (ગઈઙ) સ્થાનિક એકમોની ચૂંટણી એકલા હાથે લડવા માટે સ્વતંત્ર છે. મહાયુતિના તમામ સાથી પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અલગ અને સ્વતંત્ર રીતે લડવા માટે સ્વતંત્ર છે. અમે એકનાથ શિંદેની શિવસેના કે ભાજપને બાંધછોડ કરવા માગતા નથી. પિંપરી ચિંચવાડમાં ગઈઙ કાર્યકર્તાઓને સંબોધતા અજિત પવારે કહ્યું હતું કે એકલા હાથે ચૂંટણી લડવાથી જ કાર્યકરો મજબૂત થશે. અજિત પવારની આ જાહેરાત સાથે જ એનડીએનું અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં શાસન કરતા ગઠબંધન મહાયુતિનું ટેન્શન વધી ગયું છે.


અજિત પવારે કહ્યું કે, અમે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે લડીએ છીએ, તેમ છતાં મહાયુતિના સભ્યો પોત-પોતાની રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે. અજિત પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની પાર્ટીમાંથી અનેક નેતાઓ તેમનો સાથ છોડી શરદ પવાર જૂથમાં જતા રહ્યા છે.


તાજેતરની લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના ખરાબ પ્રદર્શન પછી અજિત પવાર સામે હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની રાજકીય ક્ષમતા સાબિત કરવાના પડકાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળ નગર પરિષદ, નગર પંચાયતો અને જિલ્લા પરિષદોની ચૂંટણીઓ યોજાય છે, જોકે ચૂંટણીની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. શાસક મહાયુતિ ગઠબંધનમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીનો પણ સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version