આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ અચાનક કરાયો સ્થગિત, મેયરના મતવિસ્તારમાં 900 મકાનો પર બુલડોઝર ફરે તે પહેલા બ્રેક

રિવર ફ્રન્ટના પ્રથમ ફેઝમાં નદી કાંઠે ખડકાયેલા ગેરકાયદે રહેણાંક મકાનોનું દબાણ હટાવવા મુદ્દે રાજકીય ગ્રહણના લીધે પ્રોજેક્ટ મુકાઇ ગયો અભેરાઇએ નવુ સંસદ ભવન અને સાબરમતી…

રિવર ફ્રન્ટના પ્રથમ ફેઝમાં નદી કાંઠે ખડકાયેલા ગેરકાયદે રહેણાંક મકાનોનું દબાણ હટાવવા મુદ્દે રાજકીય ગ્રહણના લીધે પ્રોજેક્ટ મુકાઇ ગયો અભેરાઇએ

નવુ સંસદ ભવન અને સાબરમતી રિવર ફ્રન્ટ બનાવનાર ક્ધસલ્ટન્સી એજન્સી HCPએ જ આજી રિવર ફ્રન્ટના પ્રથમ ફેઝની ફાઇનલ ડિઝાઇન પણ બનાવી નાંખી

આજી રિવર ફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટના નામે શાસક ભાજપ આજે આટલા વર્ષોથી મત લઇ જાય છે. છેલ્લા દોઢ દસકાથી બજેટમાં પણ આ પ્રોજેક્ટ મુકીને મધલાળ આપવામા આવે છે. વહીવટી વિભાગના અધિકારીઓ પણ રિવર ફ્રન્ટ યોજનામાં ક્ધસલ્ટન્ટની નિમણુંક, ટેન્ડર પ્રક્રિયા, ડિઝાઇનમાં ફેરફાર થઇ રહ્યો છે તેવી વાતો જ કર્યા રાખી. રિવર ફ્રન્ટના નામે પ્રજાને કઇ રીતે મુર્ખ બનાવવામા આવે છે તેનો સતાવાર પર્દાફાશ ગત જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશનના વિવાદને લઇને વિપક્ષના સવાલોની સટાસટી વચ્ચે થઇ ચુક્યો હતો. હવે સતાવાર રીતે એ સામે આવ્યુ છે કે, આજી રિવર ફ્રન્ટ સ્થગિત કરી દેવામા આવ્યો છે.

કારણ આર્થિક કટોકટી, પ્રાયોરિટી અને કરકસરનું અપાઇ રહ્યુ છે પણ વાસ્તવિકતા એ સામે આવી છે કે, મેયર ડો.નેહલ શુક્લના મતવિસ્તાર વોર્ડ નં.7માં આજી નદી કાંઠાનો જે ભાગ આવે છે તેમા 900થી વધુ મકાનોના દબાણો ખડાયેલા છે અને તેનુ ડિમોલિશન થાય તો જ રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ ફેઝના કામના શ્રીગણેશ થઇ શકે તેમ છે. પરંતુ ડિમોલિશન માટે ‘મનાઇ હુકમ’ આવી જતા આ રાજકીય ગ્રહણના કારણે સમુળગો આખો રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ જ સ્થગિત કરી દેવામા આવ્યો હોવાનું સામે આવ્યુ છે. વિચારવા અને જોવા જેવી બાબત તો એ છે કે, આજી રિવર ફ્રન્ટની ડિઝાઇન એ જ ક્ધસલ્ટન્સી એજન્સી એચ.સી.પી.એ તૈયાર કરી છે કે જેમણે નવુ સંસદ ભવન અને સાબરમતી રિવર ફ્રન્ટ બનાવ્યો છે. એચ.સી.પી. એજન્સીએ ફાઇનલ ડિઝાઇન પણ તૈયાર કરી નાખી છે પણ રાજકીય ઇચ્છાશક્તિના અભાવના પાપે રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ બાળમરણ થવાની કગાર પર આવી ગયો છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની 87 ક્વેરી માંડ ઉકેલાઇ ત્યા આવ્યો બીજો અવરોધ
રાજકોટમાં કોઇ પ્રવેશે એટલે શહેરની મધ્યેથી જ પસાર થતી આજી નદીમાં જો નજર જાય એટલે શહેરની છબી ખરડાયા વગર ન રહે. બારેમાસ ગંધાતી ગોબરી નદી કાયમ માટે શુધ્ધ રહે તે માટે અગાઉ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એન્વાયરમેન્ટ ક્લીયરન્સને લઇને લાંબા સમય સુધી આગળ વધી શક્યો ન હતો. પ્રદુષણ નિયંત્રણ બોર્ડે 87 જેટલી અલગ અલગ ક્વેરી કાઢી હતી.

નદીમાં નીકળતા શહેરના 30 વોંકળાના છીંડા બુરવા થયેલુ આયોજન પણ ગયુ પાણીમાં
ગમે તેટલુ ગંદુ પાણી નદીમાં આવવા છતા શુધ્ધિકરણ થઇ જશે તેવો એજન્સીએ કરેલો છે દાવો
આજી નદી બારેમાસ ગંદી-ગોબરી રહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, શહેરના 30 જેટલા મોટા વોંકળાના છેડા(આઉટલેટ) આજી નદીમાં નીકળે છે. વોંકળાના આ છીંડા બુરી શકાય તેમ નથી. તેના માટે ડક કેનાલ ટેકનિલ અપનાવવાનો પ્રોજેક્ટ છે. આજી રિવર ફ્રન્ટ યોજના માટે અગાઉ એચપીસી ક્ધસ્ટ્રલ્ટન્ટ એજન્સી દ્વારા હાઇડ્રોલિક ડિઝાઇન પણ તૈયાર કરવામા આવી હતી. પુના સ્થિત સરકારી એજન્સી સીડબલ્યુપીઆરએસના તજજ્ઞોએ આ ડિઝાઇનનો અભ્યાસ પણ કર્યો હતો. જે-તે વખતે ઉક્ત બન્ને એજન્સીના અધિકારીઓ પણ આજી નદીની મુલાકાત વેળાએ હાજર રહ્યા હતા. આ આયોજન પણ હાલ તો પાણીમાં ગયુ છે!

11.50 કિ.મી.માં ડિમાર્કેશન પણ થઇ ચુક્યુ, કુલ 6000 ગેરકાયદે બાંધકામો ખકડાયા છે રિવર ફ્રન્ટમાં
આમતો આજી રિવર ફ્રન્ટ યોજના માટે દર વર્ષે મનપાના બજેટમાં આ પ્રોજેક્ટ અને તેના માટે નાણાકીય જોગવાઇ પણ કરે છે. પરંતુ વર્ષના અંતે માત્ર બજેટના કાગળ પર જ રહી જાય છે. અત્યાર સુધી માત્ર નદીની સફાઇ કરી શુધ્ધિકરણ કરવાનું જ કામ થતુ આવ્યુ છે. જો કે તેમા પણ સફાઇના નામે નાટક જ હોય તેવી કામગીરી થઇ હોવાનું સૌ કોઇ જાણે જ છે. વધુમાં રિવર ફ્રન્ટ માટે અગાઉ ડિર્માકેશન સહિતની પ્રક્રિયા પણ થઇ ચુકી છે. 11.50 કી.મી.ની નદી કાંઠેના રામનાથપરા વિસ્તારનો ભાગ ઉપરાંત નવયુગપરા, ઘાંચીવાડ અને ભવાનીનગર સહિતના વિસ્તારોના મકાન સૌથી વધુ કપાતમાં આવે છે. પ્રાથમિક અંદાજ મુજબ ઓછામાં ઓછા 600થી વધુ મકાન કપાતમા આવે છે. પરંતુ ફેઇઝ વાઇઝ જેમ જેમ રિવર ફ્રન્ટનું કામ આગળ વધે એ મુજબ ડિમોલિશન કરવાનું પ્લાનીંગ જે તે વખતે ઘડાયા બાદ વધુ જ આયોજન સંકેલી લેવાયુ છે.

નદીને કાયમ માટે ચોખ્ખી રાખવા શુધ્ધિકરણ ટેકનિકનું એજન્સીએ પ્રેઝન્ટેશન પણ આપી દીધુ છે

આજી રિવર ફ્રન્ટ સાકાર કરવા માટે સૌપ્રથમ તો નદીને બારેમાસ શુધ્ધ કઇ રીતે રાખવી અને વર્ષ આખુ તેમા પાણી ભરાયેલુ રહે તે કામ કરવુ પડશે. નદીના શુધ્ધિકરણ માટે જેસીબીથી કામ તો સમયાંતરે થાય જ છે. પણ નદીની બન્ને બાજુ ખાસ વોંકળાના ગંદા પાણીના નિકાલ માટેની અલગથી પાઇપલાઇન(ડક કેનાલ) નાખવાની વાત છે. નદીની કેનાલ પાસે અલગ અલગ જગ્યાએ મીની સુએઝ ફિલ્ટર પ્લાન્ટ નાખવામા આવશે. પાઇપલાઇન વાટે આ ગંદુ પાણી મુખ્ય સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડાશે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધિકરણ કરીને પીવા સિવાયના કામમાં ઉપયોગમાં લેવામા આવશે. એજન્સીએ પ્રેઝન્ટેશન તૈયાર કરીને રાજકોટ મહાનગરપાલિકાને આપ્યુ છે. તંત્રએ પ્રેઝન્ટેશન નિહાળી પણ લીધુ છે. આ બધી કસરત કરાયા પછી પ્રોજેક્ટ સ્થગિત કરાતા આશ્ચર્ય સર્જાયુ છે

માત્ર ઇન્ટર સેપ્ટર સિવેજ લાઇનનું જ કામ શરૂ થયું, તેમાં પણ ભ્રષ્ટાચાર
અગાઉના જનરલ બોર્ડમાં કોંગ્રેસના નગરસેવક મકબુલ દાઉદાણીએ એવો ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે, આજી નદીમાં ઠલવાતા શહેરના વોંકળાની ગંદકી રોકવા માટે ઇન્ટર સેપ્ટર સિવેજ લાઇન નાખવામા આવી છે. જો કે હજુ સુધી આ કામ પણ પુર્ણ થયુ નથી. જેટલુ કામ થયુ છે તેમા પણ કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ઇન્ટર સેન્ટર ભૂગર્ભ લાઇનની ટાંકીઓમાં આ ભ્રષ્ટાચાર નજરે જોય શકાય તેમ છે.

રામનાથ મહાદેવની ઉત્તર-દક્ષિણે 500-500 મીટરમાં 250 કરોડના કામનો વર્ક ઓર્ડર પણ અપાઇ ગયેલો
આજી રિવર ફ્રન્ટના પ્રથમ ફેઝમાં 80 ફૂટ રોડથી રામનાથ મહાદેવ મંદિર સુધીના એક કી.મી.માં કામ કરવા માટે ક્ધસલન્ટન્ટની નિમણુંક, અમદાવાદની એજન્સીને કામ અપાઇ ગયુ, વર્ક ઓર્ડર પણ અપાઇ ગયો છે અને રૂૂ.250 કરોડના ખર્ચે પ્રાયમરી કામ થવાનુ છે તેવી દલિલો સિટી ઇજનેરે કરી હતી. મેયરે અધિકારીને કેવો સ્પષ્ટ આદેશ કર્યો હતો કે, આવતા જનરલ બોર્ડમાં પ્રોગેસ રિપોર્ટ રજૂ કરવો. જો કે આ બધી હંબક વાતો વચ્ચે આખો પ્રોજેક્ટ જ સ્થગિત કરી દેવામા આવ્યો છે.