જિલ્લામાં 160 ઉમેદવારોને કાયમી શિક્ષક તરીકે અપાશે નિમણૂક

  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં એકસાથે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત સ્થળ…

 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં એકસાથે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂૂપે આજે રાજકોટ ખાતે પણ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો, જેમાં 160 જેટલા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપી કાયમી નિમણૂક આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ અંગે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એકસાથે વિદ્યા સહાયકોની સ્થળ પસંદગીનો કેમ્પ ચાલી રહ્યો છે. રાજ્યભરમાં અંદાજે 9,000 જેટલા વિદ્યા સહાયકોને નિમણૂક આપવાનું આયોજન છે, જે પૈકી રાજકોટ જિલ્લામાં 160 જેટલા વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવનાર છે.

કેમ્પની કામગીરી વિશે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ઉમેર્યું હતું કે, આજના આ કેમ્પમાં બોલાવવામાં આવેલા તમામ 160 ઉમેદવારો હાજર રહ્યા છે. આ તમામ ઉમેદવારો પૈકી મોટાભાગના ઉમેદવારો આજે પોતાની પસંદગી મુજબની શાળાની સ્થળ પસંદગી કરીને વિદ્યા સહાયક તરીકે નિમણૂક પત્ર મેળવશે.

તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ભરતી અંતર્ગત નિમણૂક પામનાર વિદ્યા સહાયકો કાયમી શિક્ષકો તરીકે ફરજ બજાવશે. તેઓ જે-તે શાળા કક્ષાએ જઈને ખૂબ જ સારી રીતે શૈક્ષણિક કાર્ય કરી શકશે. શિક્ષકોની આ કાયમી નિમણૂક થવાથી જિલ્લાના સમગ્ર શિક્ષણ તંત્રને નવો વેગ મળશે અને શાળાના બાળકોના અભ્યાસ પર તેની ખૂબ જ હકારાત્મક અસર જોવા મળશે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી અને પ્રાથમિક શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો ઉપલબ્ધ કરાવવાનો આ એક સુંદર અને સરાહનીય પ્રયાસ છે, જેનાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે.