Site icon Gujarat Mirror

એઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તો

એઇમ્સ મેડિકલ કોલેજમાં અંતિમ વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ કરનાર છાત્ર કાલે સવારે પોતાના હોસ્ટેલમાંથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો. તેણે જતાં પહેલાં વ્યક્તિગત પરેશાનીઓ વિશે 17 પાનાની લાંબી નોટ લખી હતી. છાત્ર લાપતા થયાની આ ઘટનાને લઇ ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન આ છાત્ર ગઇકાલે મોડી સાંજે પરાપીપાળિયા ગામ પાસેથી હેમખેમ મળી આવ્યો હતો.

વધુ વિગતો મુજબ,જામનગર રોડ પર આવેલી એઇમ્સ હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલ(ઉવ.. 25 રહે. મૂળ જૈસલમેર,રાજસ્થાન) બુધવારે સવારે લગભગ 5 વાગ્યે કોઈને જાણ કર્યા વગર હોસ્ટેલમાંથી નીકળી ગયો હતો. સવારે 8:45 વાગ્યે તેના ક્લાસમેટ્સે કોલેજમાં રતનકુમાર હાજર ન હોય એઇમ્સના અધિકારીઓને જાણ કરી.બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વી.ડી.રાવલીયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

હોસ્ટેલ રૂૂમની તપાસ દરમિયાન પોલીસને 16-17 પાનાની છાત્રએ લખેલી નોટ મળી આવી હતી. તેના મોબાઇલનું છેલ્લું લોકેશન પરાપીપાળીયા દર્શાવતું હતું, ત્યારબાદ ફોન સ્વીચ ઓફ હતો. 12 કલાકની શોધ બાદ વિદ્યાર્થી પરાપીપળીયામાંથી જ હેમખેમ મળી આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, છાત્રએ લખેલી નોટમાં એક મહિલા વિદ્યાર્થી માટે એકતરફી લાગણી અને કેટલાક અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સતામણીનો ઉલ્લેખ હતો.પોલીસ સૂત્રો અનુસાર નોટમાં ઉલ્લેખિત યુવતીનો સંપર્ક કર્યો ત્યારે તેણે જણાવ્યું કે રતનકુમારે ક્યારેય પોતાની લાગણીઓ તેની સામે વ્યક્ત નહોતી કરી. બાદમાં પોલીસ છાત્રને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઈ ગઈ અને નિવેદન લઇ તેના પરિવારજનોને પણ રાજકોટ બોલાવવામાં આવ્યા છે.પોલીસની તપાસમાં એવી વાત પણ સામે આવી હતી કે, આ છાત્ર અગાઉ પણ એકવાર તે હોસ્ટેલમાંથી ગાયબ થયો હતો અને ત્યારબાદ રાજકોટ નજીકના વિપશ્યના કેન્દ્રમાં મળ્યો હતો.

Exit mobile version