પિતાના અવસાન બાદ વડીલોપાર્જિત મિલકતો પર માતાનો એકહથ્થુ અધિકાર નથી, તે માત્ર વહીવટદાર

માતાને મિલકતનું સંપૂર્ણ વિલ કોઇ એક વ્યક્તિના નામે કરવાનો અધિકાર નહીં: કોર્ટ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી કરોડોની વડીલોપાર્જિત મિલકતના એક લાંબા સમયથી ચાલતા વિવાદમાં અમદાવાદ…

માતાને મિલકતનું સંપૂર્ણ વિલ કોઇ એક વ્યક્તિના નામે કરવાનો અધિકાર નહીં: કોર્ટ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી કરોડોની વડીલોપાર્જિત મિલકતના એક લાંબા સમયથી ચાલતા વિવાદમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે કાયદાકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા દ્વારા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પિતાના અવસાન બાદ માતા જો મિલકતની નોમિની બને, તો તે માત્ર મિલકતની ‘વહીવટદાર’ ગણાય છે, માલિક નહીં.

મણિનગરમાં આવેલી વડીલોપાર્જિત મિલકતને લઈને પરિવારમાં વિવાદ સર્જાયો હતો. પિતાના અવસાન બાદ માતાએ મિલકતની નોમિની તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું. બાદમાં, માતાએ આ આખી મિલકતનું વસીયતનામું (વિલ) કોઈ એક વ્યક્તિના નામે કરી દીધું હતું. આ વિલને પડકારતા પુત્ર જનકકુમારે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

એડવોકેટ મારફતે વર્ષ 2021માં દાખલ કરવામાં આવેલી આ દીવાની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે મિલકતના હક અંગે મહત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે ઠરાવ્યું કે પિતાના નિધન બાદ માતા મિલકતની માત્ર વહીવટદાર બને છે. તેઓ મિલકતના સંપૂર્ણ માલિક ગણાતા નથી. માતા પાસે વડીલોપાર્જિત મિલકતનું સંપૂર્ણ વિલ (વસીયતનામું) કોઈ એક વ્યક્તિના નામે કરવાનો કાયદાકીય અધિકાર નથી.

આ કેસમાં પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને સિટી સિવિલ કોર્ટે વાદી પુત્ર જનકકુમારની તરફેણમાં ચુકાદો આપતા નીચે મુજબના આદેશો કર્યા છે. કોર્ટે મિલકતમાં પુત્રનો કાયદેસરનો 1/5 ભાગ મંજૂર કર્યો છે. કોર્ટે સામાવાળા પક્ષ એટલે કે ભાભી અને ભત્રીજાને આદેશ આપ્યો છે કે તેઓ આગામી 6 મહિનાની અંદર વાદી પુત્રને મિલકતની વર્તમાન કિંમત મુજબ 21.93 લાખ રૂૂપિયા ચૂકવી આપે.

કોર્ટનો આ ચુકાદો અનેક પરિવારો માટે એક માર્ગદર્શક બની શકે છે. ઘણા કિસ્સાઓમાં નોમિનીને જ મિલકતનો માલિક માનવાની ભૂલ થતી હોય છે, પરંતુ આ ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે વડીલોપાર્જિત મિલકતમાં કાયદેસરના વારસદારોના હક સુરક્ષિત છે અને નોમિની માત્ર મિલકતનો વહીવટ કરવા માટે જવાબદાર છે.