સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે PHD થવું મોંઘુ બન્યુ છે કારણ કે, ઙઇંઉની ફીમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. જેનો માર રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અહીં PHD કરવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પડશે. જેને લઈને ABVPના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં ફી વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. જે દરમિયાન કુલપતિની ચેમ્બરમાં રહેલા સ્ટાફને બહાર કાઢી લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા અગાઉ ટર્મ ફી લેવામાં આવતી ન હતી પરંતુ, હવે તે દાખલ કરવામાં આવી છે. જેમાં સાયન્સ, ફાર્મસી, હોમ સાયન્સ અને મેડિકલ ફેકલ્ટીમાં રૂા.4600 ટર્મ ફી રાખવામાં આવી છે જ્યારે અન્ય ફેકલ્ટીમાં ફી રૂા.3600 રાખવામાં આવી છે. આ સિવાય લાઇબ્રેરી ફી રૂા.350 હતી. તે રૂા.500 કરી દેવામાં આવી છે. જ્યારે UGCના રેગ્યુલેશન મુજબ 2 વર્ષમાં PHD પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીએ વધારાની રૂા.3000 ફી ભરવાની રહેશે.
આ મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો. જેમાં તાનાશાહી નહીં ચલેગી, ટઈ તેરા ક્યા ભરોસા -એક કચોરી દો સમોસા જેવા નારા લગાવ્યા હતા અને ફી વધારો પરત ખેંચવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન એમ. કોમ. સેમેસ્ટર-4ના પરિણામમાં સ્પેશિયલાઈઝેશન લખવામાં આવ્યુ છે. જેનાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં અન્ય જગ્યાએ પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે. જેથી, આ વિદ્યાર્થીઓની માર્કશીટમાં સુધારો કરવામાં આવે. આ બાબતે કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રચાયેલી ફી નિયમન સમિતિ દ્વારા ફી વધારો કરવામાં આવ્યા બાદ સર્વોચ્ચ સતામંડળ એવા બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી હતી. PHDનો આ ફી વધારો 26 વર્ષ બાદ થયો છે કારણ કે, વર્ષ 2000માં ફી વધારો કરવામાં આવ્યો હતો. જેથી, આ ફી વધારો કરવામાં આવ્યો છે.
કુલપતિ ડો.ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત ઙઇંઉમાં ટર્મ ફી દાખલ કરવામાં આવી હતી. જોકે આજે તેમાં રૂા.1000નો ઘટાડો કરવામાં આવ્યો છે. બાકીની ફી યથાવત છે. જ્યારે ABVPના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ માધવ લોખીલે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા Ph.D. ના સંશોધક વિદ્યાર્થીઓ પર ઝીંકવામાં આવેલા 260% જેટલા અસહ્ય ફી વધારા સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ છેડેલી લડતનો ઐતિહાસિક વિજય થયો છે.

