Sports

અફઘાનને કચડી દ.આફ્રિકાનો ફાઇનલમાં પ્રવેશ

Published

on

ટી20 વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ આજે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે રમાઈ. જેમાં દક્ષિણ આફ્રીકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટથી કચડીને ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ આ નિર્ણય માથે પડ્યો અને હારીને કિંમત ચૂકવવી પડી. આખી ટીમ સાવ સસ્તામાં આઉટ થઈ ગઈ.હવે આજે સાંજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજા સેમિફાઇનલમાં ટક્કર થનાર છે. બન્ને ટીમમાંથી જે જીતે તે ટીમ ફાઇનલમાં દ.આફ્રીકા સામે ટકરાશે.


આજની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આખી ટીમ માત્ર 56 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. અફઘાનિસ્તાનનો આ ટી20 ઈતિહાસમાં પહેલા બેટિંગ કરતા સૌથી ઓછો સ્કોર છે. દ.આફ્રીકાને જીતવા માટે માત્ર 57 રનનો ટાર્ગેટ મળ્યો. અફઘાનિસ્તાન જે ઓપનરોના દમ પર બેટિંગમાં પ્રભુત્વ ધરાવતું હતું તે આજે કશું ઉકાળી શક્યા નહીં. ગુરબાઝ શૂન્ય રન પર અને જદરાન 2 રન કરીને આઉટ થઈ ગયા. આખી ટીમમાંથી માત્ર ઓમરઝઈ જ બે ડિજીટના આંકડાને પાર કરી શક્યો અને સૌથી વધુ 10 રન કર્યા. 3 ખેલાડીઓ શૂન્ય રન પર આઉટ થયા. દ. આફ્રીકા તરફથી માર્કો જેનસેન, તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ જ્યારે રબાડા અને નોર્જેએ2-2 વિકેટ ઝડપી.


દક્ષિણ આફ્રીકાએ ઈનિંગની શરૂઆત કરતા જ ક્વોન્ટોન ડી કોક જેવા પ્લેયરની વિકેટ ગુમાવી દીધી. જે 5 રન કરીને આઉટ થઈ ગયો. જો કે ત્યારબાદ હેન્ડ્રીક્સ અને માર્કમે બાજી સંભાળી અને આફ્રીકાએ 8.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 60 રન કર્યા અને મેચ 9 વિકેટથી જીતીને ટુર્નામેન્ટની ફાઈનલમાં શાન સાથે પ્રવેશ કર્યો. અફઘાનિસ્તાન તરફથી એકમાત્ર વિકેટ ફારુકીને મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version