યોગીરાજનગરમાંથી ઝડપાયેલા 33.8 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં અભિનેત્રી અંકિતા દવેના ભાઇની ધરપકડ

રાજકોટમાં નશાના કાળા કારોબાર સામે પોલીસની કાર્યવાહી વધુ એક વખત ચર્ચામાં આવી છે. રૂૂ. 23.8 લાખની કિંમતના હાઈબ્રિડ ગાંજાના પ્રકરણમાં રાજકોટ SOGએ વધુ એક કડી…

રાજકોટમાં નશાના કાળા કારોબાર સામે પોલીસની કાર્યવાહી વધુ એક વખત ચર્ચામાં આવી છે. રૂૂ. 23.8 લાખની કિંમતના હાઈબ્રિડ ગાંજાના પ્રકરણમાં રાજકોટ SOGએ વધુ એક કડી ઉકેલી અભિનેત્રી અંકિતા દવેના ભાઈ ગૌતમ દવેને ઝડપી પાડ્યો છે. અગાઉ આ જ કેસમાં પૂજા ભટ્ટ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. હવે ગૌતમ દવેની ધરપકડ થતાં હાઈબ્રિડ ગાંજાના સંગ્રહ અને સપ્લાય પાછળના નેટવર્ક અંગે તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગત ઓક્ટોબર મહિનામાં રાજકોટ SOGની ટીમે યોગીરાજનગર વિસ્તારમાં આવેલા ગિરિરાજ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી 680 ગ્રામ જેટલો હાઈબ્રિડ કેનાબીસનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર સહિતના મૂલ્યાંકનને આધારે આ જથ્થાની કિંમત રૂૂ. 23.8 લાખ આંકવામાં આવી હતી. પોલીસે તે સમયે સ્થળ પરથી પૂજા ભટ્ટને ઝડપી લઈ નશીલા પદાર્થના જથ્થા અંગે તપાસ શરૂૂ કરી હતી. આ કેસમાં પૂજા ભટ્ટની પૂછપરછ અને પોલીસ તપાસ દરમિયાન ડ્રગ્સના સપ્લાયને લઈને મહત્વની કડી મળી હતી. તપાસમાં ગૌતમ દવેએ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો સંગ્રહ અને વિતરણ માટે પૂરો પાડ્યો હોવાની વિગતો સામે આવતાં SOGએ તેની શોધખોળ હાથ ધરી હતી. અંતે પોલીસે ગૌતમ દવેને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે.

ગૌતમ દવેની ધરપકડ બાદ હવે પોલીસનું ધ્યાન આ નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોના મારફતે રાજકોટ પહોંચ્યો હતો અને શહેરમાં કોને-કોને તેનું વિતરણ થવાનું હતું તે દિશામાં કેન્દ્રિત થયું છે. આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

રૂૂ. 23.8 લાખના હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે શરૂૂ થયેલી તપાસમાં પૂજા ભટ્ટ બાદ ગૌતમ દવે સુધી પોલીસ પહોંચતાં હવે આ નેટવર્કની અન્ય કડીઓ પણ બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ છે. એનડીપીએસ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.