કાળા કાચ અને નંબર પ્લેટ વગરના 157 વાહન ચાલકો સામે કાર્યવાહી

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાત્રે એક ખાસ ’કોમ્બીંગ…

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાત્રે એક ખાસ ’કોમ્બીંગ નાઇટ રાઉન્ડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ડ્રાઇવ દરમિયાન વાહન વ્યવહારના નિયમોનો ભંગ કરતા, વાહનો પર નિયમ વિરુદ્ધના કાળા કાચ ધરાવતા તેમજ નંબર પ્લેટ વગર બિન્દાસ ફરતા વાહનચાલકો સામે ટ્રાફિક શાખાએ લાલ આંખ કરીને કડક દંડનાત્મક અને ડિટેઇનની કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ પોલીસે 288 જેટલા વાહનચાલકો સામે કાયદેસરના પગલાં ભરીને નિયમભંગ કરનારાઓમાં ભારે ફાફડાટ મચાવી દીધો હતો.

મળતી વિગતો અનુસાર, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા , અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ શહેરમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા અને નિયમભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચના અન્વયે રોજ રાત્રિના 11 થી 1 વાગ્યા સુધી સમગ્ર શહેરી વિસ્તારમાં સઘન ’કોમ્બીંગ નાઇટ રાઉન્ડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ અને સંચાલન ડીસીપી ટ્રાફિક શાખા ડો. હરપાલસિંહ જાડેજા તથા એસીપી એમ.એમ. લાલીવાલાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક શાખાના પી.આઈ, પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા શહેરના અલગ-અલગ મુખ્ય ટ્રાફિક જંકશનો ખાતે નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમિયાન ટ્રાફિક શાખાના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા હાથ ધરેલ ચેકિંગમાં કાળા કાચ વાળા, નંબર પ્લેટ વગરના તેમજ ટ્રાફિક નિયમભંગનો ભંગ કરનાર 288 વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.તેમજ 52 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.

શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો હેતુ અનધિકૃત કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો ઘણીવાર અસામાજિક કે ગુનાહિત તત્વો માટે ઓળખ છુપાવવાનું સાધન બનતા હોય છે. આવા વાહનોથી શહેરમાં ગુનાખોરી ન વધે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ટ્રાફિક પોલીસ દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે વાહનો પર કાયદા વિરુદ્ધના કાળા કાચ ન રાખવા તેમજ નિયમાનુસારની સ્પષ્ટ નંબર પ્લેટ જ વાપરવી. આગામી દિવસોમાં પણ શહેરમાં આ પ્રકારે સરપ્રાઇઝ કોમ્બીંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.

ટ્રાફિક પોલીસ દ્વારા રાતે બે કલાકના ચેકિંગમાં 288 ચાલકો ઝપટે ચડ્યા
ઉચ્ચ અધિકારીની સુચનાથી ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમ દ્વારા રાતે બે કલાક શરૂ કરાયેલી ઝુંબેશમાં કાળા કાચ વાળા વાહનો: 41 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી જયારે નંબર પ્લેટ વગરના 85 વાહનચાલકો સામે તેમજ . અન્ય ટ્રાફિક નિયમભંગ કરનાર 31 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ કુલ 52 વાહનોને સ્થળ પર જ ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત ટ્રાફિક શાખાના કર્મચારીઓ દ્વારા કરાયેલી દંડનાત્મક કાર્યવાહીમાં કાળા કાચ વાળા 49 વાહનચાલકો, નંબર પ્લેટ વગરના 82 વાહનચાલકો મળી કુલ 131 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ, સમગ્ર કોમ્બીંગ નાઇટ દરમિયાન કાળા કાચ વાળા કુલ 90 વાહનો, નંબર પ્લેટ વગરના કુલ 167 વાહનો અને અન્ય નિયમભંગના 31 વાહનો મળીને કુલ 288 વાહનો સામે દંડનાત્મક તથા બાવન વાહનો ડિટેઇન સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.