ગુજરાત

અગ્નિકાંડના આરોપી ડે. ચીફ ફાયર ઓફિસરને મૃતક માતાની વિધિમાં જવા 2દી’ની પરવાનગી

Published

on

બી.જે. ઠેબાએ તેની માતાના અવસાનને કારણે વચગાળાની જામીન અરજી કરી’તી

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં 27થી વધુ લોકોના ભોગ લેવાના બનાવમાં પકડાયેલા 15 આરોપી પૈકીના મહાપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાએ તેની માતાના અવસાનને કારણે વચગાળાની જામીન અરજી કરી હતી. કોર્ટે અગ્નિકાંડના આરોપી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાને પોલીસ જાપતા સાથે તેના માતાની વિધિમાં જવા બે દિવસ પરવાનગી આપવામાં આવી છે.


આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવ માટે ફાયર બ્રિગેડ સહિતના વિવિધ તંત્રોની ગુનાહિત બેદરકારી બેજવાબદારી બહાર આવતા અધિકારીઓ સહિત કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસરની પુષ્કળ મિલકતો ભેગી કરી હોવાનું ખુલતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખુ જીવાભાઈ ઠેબા સામે પણ એસીબી તંત્ર ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો છે.

દરમિયાન ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબાના માતા ખતુબેન જીવાભાઇ ઠેબાનું ગઈ રાત્રિના અવસાન થયું હોય, આથી પુત્ર નઝિમ ઠેબાએ આજે સવારે ભીખુભાઈ વતી આજે સાંજે ગોંડલ તાલુકાના નાના મહીકા ગામે મરહુમ ખતુબેનની દફનવિધિ વખતે હાજર રહેવા માટે માનવતાના ધોરણે વચગાળાના જામીન માંગતી અદાલતમાં અરજી કરી હતી. આ માનવતાના ધોરણે વચગાળાની જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ અદાલતે ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબાની માનવતાના ધોરણે કરેલી વચગાળાની જામીન અરજી મંજુર કરી ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબાને પોલીસ જાપતા સાથે તેના માતાની વિધિમાં જવા બે દિવસ પરવાનગી આપવામાં આવી છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા, બાર એસો. ઉપપ્રમુખ સુરેશ ફળદુ અને અપ્રમાણસર મિલકતોના કેસમાં સ્પેશિયલ પી.પી. એસ. કે.વોરા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version