Site icon Gujarat Mirror

લખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપ

લખતર તાલુકાના દેવળીયા ગામે સરપંચના પતિ અને દિયર સામે કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, દેવળીયા ગામના યશપાલસિંહ વનરાજસિંહ રાણાના મકાનની મંજૂરી અને વેરા ભરપાઈ બાબતે મનદુ:ખ ચાલતું હતું. આ વિવાદને કારણે ઘટના બની હતી.આ બાબતને લઈને અજયસિંહ બળવંતસિંહ રાણાએ પોતાની કાર યશપાલસિંહના બાઈક પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. યશપાલસિંહે બાઈક સાઈડમાં ઉતારી દેતા તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી.

આ ઘટના બાદ યશપાલસિંહ તેમના મોટાબાપુ અને કુટુંબી ભાઈ સાથે સરપંચના પતિ ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાણાને ફરિયાદ કરવા ગયા હતા. વાતચીત દરમિયાન ધર્મેન્દ્રસિંહે યશપાલસિંહના મકાનની પંચાયતમાં મંજૂરી ન લીધી હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે, અજયસિંહ (સરપંચના દિયર) ફરીથી કાર લઈને ત્યાં આવ્યા અને હાથમાં ધારીયું લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી. ધર્મેન્દ્રસિંહે પણ બેટ વડે હુમલો કર્યો.

આ મારામારી દરમિયાન અજયસિંહે ફરીથી કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં યશપાલસિંહના મોટાબાપુ જગદીશસિંહ અને કુટુંબી ભાઈ સહદેવસિંહને ગંભીર ઈજાઓ થઈ હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે લખતર પોલીસ સ્ટેશનમાં સરપંચના પતિ ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાણા અને દિયર અજયસિંહ બળવંતસિંહ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. લખતર પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Exit mobile version