મનોજ બાજપેયીની આગામી ફિલ્મ “ઘૂસખોર પંડત” તેના શીર્ષકને લઈને વિવાદમાં ફસાઈ છે. વકીલ વિનીત જિંદાલે નેટફ્લિક્સ ફિલ્મ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફિલ્મના ફર્સ્ટ લુક પછી ફિલ્મના શીર્ષકને લઈને વિવાદ શરૂ થયો હતો, જેમાં શીર્ષકને બ્રાહ્મણ સમુદાય માટે અપમાનજનક ગણાવીને ટીકા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ફિલ્મના ટાઈટલ સામે સખત વાંધો ઉઠાવતા ફિલ્મ નિર્માતા નીરજ પાંડે, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને નોટિસ ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ફિલ્મનું નામ નહીં બદલવામાં આવે, તો તેની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવશે.
સુનાવણી દરમિયાન જસ્ટિસની બેન્ચે ફિલ્મના નામ ‘ઘૂસખોર પંડત’ વિશે ગંભીર અવલોકન કર્યું હતું. કોર્ટે નીરજ પાંડેને સંબોધતા કહ્યું કે, “જ્યાં સુધી આ ટાઈટલ બદલવામાં નહીં આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝની પરવાનગી આપી શકાય નહીં.” બેન્ચે નોંધ્યું હતું કે- આવું નામ નૈતિકતા અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલી ચિંતાઓ ઊભી કરે છે અને આવા સંવેદનશીલ મુદ્દાઓને નજરઅંદાજ કરી શકાય નહીં.
“ઘુસખોર પંડત” કેસ અંગે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બંધારણ દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ તેની મર્યાદાઓ છે, અને આવું શીર્ષક આપી શકાતું નથી. જોકે, વકીલે જણાવ્યું હતું કે આ મામલો હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે, અને ફિલ્મનું શીર્ષક હજુ સુધી નક્કી થયું નથી. જસ્ટિસ નાગરત્ને નિર્માતાઓને ઠપકો આપતા પૂછ્યું, “શું તમને આ શબ્દોનો અર્થ ખબર નહોતો? જો તમે સ્પષ્ટતા નહીં કરો કે આ ઇરાદાપૂર્વક નહોતું, તો અમે ફિલ્મ રિલીઝ થવા દઈશું નહીં.”
નેટફ્લિક્સ ફિલ્મ “ઘુસખોર પંડત” કેસમાં જસ્ટિસ નાગરત્ને એમ પણ કહ્યું, “તમે જાણી જોઈને સમાજમાં નફરત ફેલાવી રહ્યા છો. કોર્ટ આને મંજૂરી આપી શકે નહીં. અમે તમારી ફિલ્મ રિલીઝ થવા દઈશું નહીં.” જોકે, વકીલે જણાવ્યું હતું કે તેઓ ફિલ્મનું શીર્ષક બદલી રહ્યા છે. જસ્ટિસ નાગરત્ને ટિપ્પણી કરી હતી, “ઘણા સમુદાયોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તમે કોઈને પણ વ્યક્તિગત રીતે કેવી રીતે નિશાન બનાવી શકો છો? અમે ફક્ત ફિલ્મ વિશે જ નહીં, પરંતુ દેશની એકતા, કાયદો અને વ્યવસ્થા અને નૈતિકતા વિશે ચિંતિત છીએ.” જોકે, સુપ્રીમ કોર્ટે નિર્માતાઓને આગામી અઠવાડિયા સુધીમાં આ મામલે જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી આગામી ગુરુવાર, 19 ફેબ્રુઆરીના રોજ થશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા એમ પણ કહ્યું કે આગળ કોઈ તારીખ આપવામાં આવશે નહીં. ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે આવી ક્રિયાઓ રાષ્ટ્રીય સંવાદિતાને નુકસાન પહોંચાડે છે. “તાત્કાલિક સોગંદનામું દાખલ કરો” વધુમાં કહ્યું. કે “પ્રમોશનલ સામગ્રી પાછી ખેંચી લેવી જોઈએ.” એમ પણ કહ્યું કે ભવિષ્યમાં કોઈને પણ આવું કરવાની પરવાનગી નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી.

