ગુજરાત
‘આપ’ના પ્રદેશ મહામંત્રી કાછડિયાનું પણ રાજીનામું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતી પગપેસારો કરનાર આમ આદમી પાર્ટીના કાંગરા હવે ખરવા લાગ્યા છે. અગાઉ ધારાસભ્ય ઉપરાંત અલ્યેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ ‘આપ’ છોડી ગયા બાદ હવે સુરતમાં આક્રમક ચહેરો ગણાતા આપના પ્રદેશ મહામંત્રી દિનેશ કાછડીયાએ પણ અચાનક આપમાંથી રાજીનામુ આપી દેતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
સુરત ઉત્તર વિધાનસભામાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડિયાએ આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આપમાં તેમની ઉપયોગિતા ન હોય તેવી વાત કરીને તેમણે રાજીનામું ધરી દીધું હતું.
આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડિયાએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી-ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ છેલ્લા એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવને જોતા આમ આદમી પાર્ટીમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી. આ કારણસર હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામું આપું છું. રાજીનામું આપ્યા બાદ કાછડિયાએ કહ્યું હતું કે, મેંઆપમાંથી રાજીનામું આપી દીધું છે અને હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો મારો વિચાર નથી.