Site icon Gujarat Mirror

મોરબીમાં ઓમકાર રેસીડેન્સીની અગાસી પરથી કૂદી યુવતીનો આપઘાત

ભાગ્યલક્ષ્મી સોસાયટીના યુવાન અને માધાપરના પ્રૌઢે જીવન ટૂંકાવી લીધું

મોરબીમાં જુદા જુદા ત્રણ આપઘાતના બનાવ સામે આવ્યા છે. એક મહિલાએ એપાર્ટમેન્ટની અગાસી પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ત્રણેય ઘટનાઓની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, મૂળ મધ્યપ્રદેશની અને હાલ મોરબીના લીલાપર રોડ પર વિદ્યુત સ્મશાન સામે આવેલી ઓમકાર રેસીડેન્સી બ્લોક નંબર 201માં રહેતી અંબિકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી (ઉં.વ. 28) નામની મહિલાએ ઓમકાર રેસીડેન્સીની અગાસી પરથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું.

મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ મંગલેશકુમાર ગુલાબરાય માંઝી (ઉં.વ. 30, હાલ સુરત)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે નોંધ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા છેલ્લા પાંચ વર્ષથી એકલી રહેતી હતી અને એકલવાયા જીવનથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. બીજા બનાવમાં, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ. 35) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. યુવાનનું મોત થતાં તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં, મોરબીના માધાપર શેરી નંબર 18 ખાતે રહેતા લાભુબેન રમેશભાઈ પરમાર (ઉં.વ. 58) નામના મહિલાએ પોતાના ઘરમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version