માતાની સારવાર માટે નાણા લેનાર યુવાન પાસેથી 17 થી 34 ટકા વ્યાજ વસુલ્યું

દુકાનને તાળા મારી દેવાની ધમકી આપી, છ વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ અઠવાડિયા પહેલા ઝેરી દવા પી લેનાર હેર સલૂન સંચાલકની તપાસમાં ઘટસ્ફોટ રાજકોટનો ક્ષોરકર્મી યુવક વ્યાજંકવાદમાં…

દુકાનને તાળા મારી દેવાની ધમકી આપી, છ વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ

અઠવાડિયા પહેલા ઝેરી દવા પી લેનાર હેર સલૂન સંચાલકની તપાસમાં ઘટસ્ફોટ

રાજકોટનો ક્ષોરકર્મી યુવક વ્યાજંકવાદમાં ફસાયો હતો.જેમાં રેલનગર વિસ્તારમાં આવેલ વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં કશ્યપભાઈ રમેશભાઈ લખતરીયા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અક્ષય ઝાલા (ગજાનંદ એન્ટરપ્રાઇઝ, હનુમાન મઢી ચોક) ધર્મેશ ચાવ (સોમનાથ ફાઇનાન્સ રામાપીર ચોકડી, ઉદય હોલ પાસે), મનોજ પંડ્યા (સાક્ષી એન્ટરપ્રાઇઝ, ભક્તિ સર્કલ પાસે જલારામ ચોક), દેવેન્દ્ર ચુડાસમા (રેલનગર), રોનક ભટ્ટ (મામાદેવ એન્ટરપ્રાઇઝ, ગોંડલ રોડ) અને પ્રકાશ સોનારા (રહે.ખંઢેરી, રાજકોટ) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે,તે જામનગર રોડ નાગેશ્વર સોસાયટી ભવાનીચોક અજમેરા કોમ્પલેક્ષમાં આર.કે.બાર્બર શોપ નામની દુકાનમાં ક્ષોર કામ કરે છે.આશરે એક વર્ષ પહેલાં માતા મધુબેનને શ્વાસની બીમારી તથા પગના સ્નાયુ ખેંચાઇ ગયેલ હોય જેથી હોસ્પીટલનાં કામે રૂપીયાની જરૂર પડતાં તેમની દુકાને બાલ દાઢી કરાવવા આવતા અક્ષય ઝાલા જેની ઓફીસ ગજાનંદ એન્ટરપ્રાઈજ હનુમાન મઢી ચોક પર આવેલ છે તેની પાસેથી રૂ.40 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 17 ટકા વ્યાજથી લીધેલ હતા. આ અક્ષયએ વ્યાજનાં રૂ.8 હજાર કાપી રૂ. 32 હજાર આપેલ હતા. તેને કટકે કટકે રૂ.14 હજાર ચુકવી દીધેલ તેમ છતા તે રૂ. 40 હજારની પઠાણી ઉઘરાણી કરે છે અને સહી કરેલ બે કોરા ચેક તેને લઈ લીધેલ છે.

તેમજ ધર્મેશ ચાવ જેની ઓફીસ સોમનાથ ફાઈનાન્સ રામાપીર ચોકડી, ઉદય હોલ પાસે આવેલ છે તેની પાસેથી રૂા. 30 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 17 ટકા વ્યાજથી લીધેલ હતા. તેને વ્યાજનાં રૂા.6 હજાર કાપી રૂ.24 હજાર આપેલ હતા. તેને કટકે કટકે રૂા. 18 હજાર ચુકવી દીધેલ છતા રૂ.12 હજારની પઠાણી ઉઘરાણી કરી બે સહી કરેલ કોરા ચેક પડાવેલ છે.

વ્યાજખોર મનોજ પંડયા જેની ઓફીસ સાક્ષીએન્ટર પ્રાઇઝ ભક્તિનગર સર્કલ પાસે, જલારામ ચોક ખાતે આવેલ છે, તેની પાસેથી રૂા.40 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 12 ટકા વ્યાજથી લીધેલ હતા. વ્યાજના રૂા.6 હજાર કાપી રૂા.34 હજાર આપેલ હતા. તેને કટકે કટકે રૂા.20 હજાર ચુકવી દીધેલ છતા રૂ.20 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક તેને લઈ લીધેલ હતા.તેમજ વ્યાજખોર દેવેન્દ્ર ચુડાસમા પાસેથી રૂા. 30 હજાર 100 દિવસની ડાયરી ઉપર માસીક 17 ટકા વ્યાજથી લીધેલ જેમાં વ્યાજનાં રૂા.6 હજાર કાપી રૂ.24 હજાર આપેલ હતા. તેને કટકે કટકે રૂ.14 ચુકવી દીધેલ છતા તે રૂા.16 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક લઈ લીધેલ હતા.

ઉપરાંત વ્યાજખોર રોનક ભટ્ટ જેની ઓફીસ મામાદેવ એન્ટરપ્રાઇઝ ગોંડલ રોડ પર આવેલ છે તેની પાસેથી રૂા. 20 હજાર 50 દિવસની ડાયરી ઉપર માસીક 34 ટકા વ્યાજથી લીધેલ અને આરોપીએ વ્યાજનાં રૂા.4 હજાર કાપી રૂા.16 હજાર આપેલ અને તેને કટકે કટકે રૂ.6 હજાર ચુકવી દીધેલ છતા રૂ.14 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ બે કોરા ચેક લીધેલ હતા.તેમજ વ્યાજખોર પ્રકાશ સોનારા પાસેથી રૂ.30 હજાર માસીક 10 ટકાનાં વ્યાજનાં દરથી લીધેલ અને રૂ.6 હજાર વ્યાજ કાપી રૂ. 24 હજાર આપેલ અને આ પ્રકાશને માસીક રૂ.3 હજાર છ મહીના સુધી રૂા. 18 હજાર આપેલ છે. તેમ છતા રૂા.18 હજારની પઠાણી ઉઘરાણી કરી સહી કરેલ ત્રણ કોરા ચેક લઈ લીધેલ હતાં.

હાલમાં તેઓનો ધંધો ચાલતો ન હોય અને માતા પણ બીમાર હોય જેથી રૂપીયા ન હોવાથી વ્યાજખોર પાસેથી લીધેલ રૂપીયા એક માસથી આપી શકેલ નથી. વ્યાજખોર પાસેથી વ્યાજથી રૂપીયા લીધેલ હોય જે રૂપીયા પૈકી તેમને મોટાભાગનાં રૂપીયા ચુકવી આપેલ હોય તેમ છતાં દુકાને અવાર-નવાર આવી ગાળો આપી હેરાન કરે છે અને વ્યાજનાં રૂપીયા નહી આપે તો દુકાનને તાળુ મારી દેવાની ધમકી આપે છે. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી વ્યાજખોર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ આદરી હતી.