સાવરકુંડલામાં પૈસાની લેતી-દેતીમાં યુવાનની પિતરાઇ દંપતી સહિતના શખ્સોએ કરી હત્યા

રાજુલાના બાબરીયાધાર ગામે રહેતો યુવાન સાવરકુંડલા ખાતે પોતાની પત્નીને તેડવા માટે ગયો હતો ત્યારે સાવરકુંડલામાં રહેતા ફઈના દીકરાના ઘરે ગયો હતો જ્યાં પૈસાની લેતી દેતી…

રાજુલાના બાબરીયાધાર ગામે રહેતો યુવાન સાવરકુંડલા ખાતે પોતાની પત્નીને તેડવા માટે ગયો હતો ત્યારે સાવરકુંડલામાં રહેતા ફઈના દીકરાના ઘરે ગયો હતો જ્યાં પૈસાની લેતી દેતી મુદ્દે પિતરાઈ દંપતી સહિતના શખ્સોએ કુહાડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજુલાના બાબરીયાધાર ગામે રહેતો હર્ષદ રૂૂખડભાઈ પરમાર નામનો 32 વર્ષનો યુવાન ગત તા.15 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં સાવરકુંડલામાં માવતરે ગયેલી પત્નીને તેડવા માટે ગયો હતો તે દરમિયાન સાવરકુંડલામાં જ રહેતા ફઈના દીકરા જગદીશ સુખાભાઈ પરમારના ઘરે ગયો હતો અને જ્યાં ચા પાણી પીધા બાદ હર્ષદ પરમારે પિતરાય જગદીશ પરમાર સાથે પૈસાની લેતી દેતી મુદ્દે વાતચીત કરી હતી તે દરમિયાન જગદીશભાઈની પત્ની દયાબેને પાછળથી આવી હર્ષદભાઈ પરમારની આંખમાં મરચાની ભૂકી છાંટી દીધી હતી.

જે દરમિયાન હર્ષદ પરમાર ભાગવા જતા જગદીશ પરમાર અને તેની પત્ની દયાબેન સહિતના અજાણ્યા શખ્સોએ તું અમારા હાથમાંથી ભાગી જશો તેમ કહી કુહાડી અને પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સાવરકુંડલા પોલીસે યુવક ઉપર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દંપતી સહિતના અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હત્યારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.