ટ્રેક્ટર ચોક પાસે યુવક પર છરીના 5-6 ઘા ઝીંકી જીવલેણ હુમલો

શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ટ્રેક્ટર ચોક પાસે, ભાણજીબાપાના પુલ નજીક જાહેર રસ્તા પર એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જૂની અદાવતનો…

શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ટ્રેક્ટર ચોક પાસે, ભાણજીબાપાના પુલ નજીક જાહેર રસ્તા પર એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જૂની અદાવતનો ખાર રાખીને બે શખ્સોએ ભેગા મળીને એક યુવકને બેફામ ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર મામલે થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની વિગતો મુજબ, મૂળ થોરાળા મેઇન રોડ પર રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા 45 વર્ષીય રામુભાઇ ધીરુભાઇ ધાંધલપરીયાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવીને ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, તેમનો 34 વર્ષીય ભત્રીજો વિજયભાઇ ઉર્ફે ગલો કિશનભાઇ ધાંધલપરીયા ટ્રેક્ટર ચોક પાસે ભાણજીબાપાના પુલ નીચે ફૂટપાથ પર સૂતો હતો. તે દરમિયાન ત્યાં ગૌતમ ઉર્ફે દાતારો અને ફરિયાદીનો જ બીજો ભત્રીજો દિપ સંજયભાઇ ઉર્ફે નાનુ ધાંધલપરીયા ધસી આવ્યા હતા. આરોપીઓએ ત્યાં આવીને વિજય સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને કહ્યું હતું કે, “ગઈકાલે અમારે બીજા લોકો સાથે માથાકૂટ ચાલતી હતી ત્યારે તું શા માટે વચ્ચે પડ્યો હતો અને અમારી સાથે કેમ માથાકૂટ કરી હતી?”.

ઝઘડો ઉગ્ર બનતા વિજયે માથાકૂટ કરવાની ના પાડી હતી, જેથી બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને વિજયને મા-બેન સામણી ગાળો આપવા લાગ્યા હતા. આરોપીઓએ વિજયને ઢીકાપાટુનો બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. જીવ બચાવવા માટે જ્યારે વિજય ત્યાંથી ભાગવા લાગ્યો, ત્યારે દિપ ધાંધલપરીયાએ તેને મજબૂતીથી પકડી રાખ્યો હતો. આ દરમિયાન ગૌતમ ઉર્ફે દાતારોએ પોતાના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢીને વિજય પર આડેધડ હુમલો કરી દીધો હતો. ગૌતમે વિજયને ડાબી બાજુ દાઢીના ભાગે, ડાબી બાજુ છાતી પર, કમરના પાછળના ભાગે અને ડાબા હાથના પંજાની ઉપર એમ શરીરના વિવિધ ભાગો પર છરીના 5થી 6 ઘા ઝીંકી દીધા હતા.

હુમલા દરમિયાન વિજયે લોહીલુહાણ હાલતમાં બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા, જેને જોઈને બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા ઇજાગ્રસ્ત વિજયને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું કે વિજયને છરીના ઊંડા ઘા વાગ્યા હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે અને તેનું ઓપરેશન કરવું પડ્યું છે. આ ઘટના અંગે થોરાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.એચ. વાળાએ ગુનો નોંધ્યો છે.