Site icon Gujarat Mirror

ફાઈનાન્સ કંપનીમાં ઉંચા પગારે નોકરીની લાલચ આપી યુવાન સાથે 11 લાખની ઠગાઈ

શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા યુવાનને શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીમાં ઊંચા પગારની નોકરી અને વિદેશ મોકલવાની લાલચ આપી 11 લાખની છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભેજાબાજે ઠગાઈ કરવા માટે કંપનીનો લોગો ધરાવતો બોગસ જોઈનિંગ લેટર અને ખોટો એમ્પ્લોઈ આઈડી પણ આપ્યો હતો.આ મામલે એ-ડિવિઝન પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે.

વધુ વિગતો મુજબ,હાથીખાનામાં રહેતા વૃષભ દિલીપભાઈ ગોયાણી (ઉ.વ. 26) એ અભી હરેશભાઈ પાનસરા સામે ફરીયાદ કરી હતી જેમા જણાવ્યું હતું કે,તે એચડીએફસી સેલ્સમાં નોકરી કરે છે.ઓક્ટોબર-2025માં જામનગર રોડ પર આવેલી એક હોટલમાં જમવા ગયા હતા ત્યારે તેમની કોલેજ મિત્ર મિતાલી બાલધાએ તેની મુલાકાત અભિ હરેશભાઈ પાનસરા સાથે કરાવી હતી.અભિએ પોતાની ઓળખ શ્રી રામ ફાઈનાન્સમાં સ્ટેટ ફાઈનાન્સ મેનેજર તરીકે આપી હતી.તે દરમ્યાન નોકરીની વાત કરી હતી અને કંપનીમાં જોડાશે તો તેમને માસિક 80,000 પગાર મળશે અને ભારત સહિત વિદેશમાં પણ કામ કરવાની તક મળશે. નોકરીની લાલચમાં આવી ગયેલા રૂૂષભે નવેમ્બર માસમાં પોતાના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા.

અભિએ વિશ્વાસ જીતવા માટે રૂૂષભના નામનો કંપનીનો જોઈનિંગ લેટર આપ્યો હતો.ત્યારબાદ કંપનીના કામે વિદેશ જવાનું છે તેમ કહી વિઝા પ્રોસેસ અને અન્ય ખર્ચના બહાને ડિસેમ્બર-2025થી જાન્યુઆરી-2026 દરમિયાન પેટીએમ અને રોકડા મળી કુલ 11 લાખ પડાવી લીધા હતા. દરમ્યાન પૈસા આપ્યા બાદ પણ નોકરી બાબતે અભિ સતત વાયદાઓ કરતો હોવાથી રૂૂષભને શંકા ગઈ હતી.

તેણે અમદાવાદમાં રહેતા તેમના પરિચિત પાસે શ્રી રામ ફાઈનાન્સની ઓફિસે તપાસ કરાવી હતી.તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી કે,રૂૂષભને આપવામાં આવેલો જોઈનિંગ લેટર અને એમ્પ્લોઈ નંબર બંને તદ્દન બોગસ હતા.એટલું જ નહીં અભિ પાનસરા નામનો કોઈ વ્યક્તિ ત્યાં નોકરી જ કરતો ન હોવાનું સામે આવ્યું હતું.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા રૂૂષભે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version