મારવાડી યુનિવર્સિટી પાસે બે કાર અથડાયા બાદ એક પલટી જતા ટંકારાના યુવાનનું મોત

રાજકોટ શહેરના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી પાસે ગત મંગળવારે બપોરના સમયે એક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટંકારાના 22 વર્ષીય યુવાન નવઘણભાઈ દાદુભાઈ ચૌહાણનું ગંભીર…

રાજકોટ શહેરના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી પાસે ગત મંગળવારે બપોરના સમયે એક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટંકારાના 22 વર્ષીય યુવાન નવઘણભાઈ દાદુભાઈ ચૌહાણનું ગંભીર ઈજાઓ થવાને કારણે કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારાના કલ્યાણપર રોડ વિસ્તારમાં રહેતા નવઘણભાઈ અને તેમના અન્ય ત્રણ મિત્રો તથા સંબંધીઓ સ્વીફ્ટ કારમાં સવાર થઈને ટંકારાથી રાજકોટ કપડાની ખરીદી કરવા માટે આવ્યા હતા.

ખરીદી પૂર્ણ કરી બપોરના આશરે 12:45 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ રાજકોટથી પરત ટંકારા જઈ રહ્યા હતા, ત્યારે બેડી બીટ વિસ્તારમાં આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની વિગતો મુજબ, સ્વીફ્ટ કાર આકાશભાઈ દેવાભાઈ ચૌહાણ ચલાવી રહ્યા હતા. મોરબી રોડ પર એક મોટરસાયકલને ઓવરટેક કરવાની લ્હાયમાં ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના પરિણામે સ્વીફ્ટ કાર સામેથી પસાર થતી અન્ય એક ફોરવીલ કાર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારની પાછળની સીટ પર બેઠેલા નવઘણભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કાર ચાલક આકાશભાઈને પણ શરીરે મુંઢ ઈજાઓ થઈ હતી. કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ સુનીલભાઈ અને આશિકભાઈનો આબાદ બચાવ થયો હતો.

ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારી સારવાર માટે નવઘણભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ મામલે મૃતકના કાકા સલીમભાઈ તારમામદભાઈ ચૌહાણે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર ચાલક આકાશભાઈ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.