Site icon Gujarat Mirror

ઉના સરકારી હોસ્પિટલમાં નાઠેજ ગામના યુવાનનો ઝેરી દવા પી લેતા દોડધામ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની સરકારી હોસ્પિટલના સંકુલમાં આજે બપોરના સમયે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉના પાસેના નાઠેજ ગામના એક 35 વર્ષીય યુવાને હોસ્પિટલના સ્ટાફ અને અન્ય દર્દીઓની હાજરીમાં જ ઝેરી દવા પી લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. હાલ યુવાનની સ્થિતિ નાજુક હોવાથી તેને વધુ સારવાર અર્થે વેરાવળ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, નાઠેજ ગામના વતની નારણભાઈ ચનાભાઈ મારુ (ઉં.વ. 35) આજે બપોરના સમયે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ડોક્ટરની ચેમ્બરની બહાર જ્યાં અન્ય દર્દીઓ પોતાની વારીની રાહ જોઈને બેઠા હતા, ત્યાં જઈને બેસી ગયા હતા. કોઈ કશું સમજે તે પહેલા જ નારણભાઈએ પોતાની પાસે રહેલી ઝેરી દવાની બોટલ કાઢીને પી લીધી હતી. દવા પીધાની ગણતરીની મિનિટોમાં જ યુવાન ત્યાં જ ઢળી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકતા હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ અને સિક્યુરિટી તાત્કાલિક દોડી આવ્યા હતા.

હોસ્પિટલના સ્ટાફ દ્વારા યુવાનને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઝેરી દવાની અસર વધુ હોવાથી તેની તબિયત સતત લથડતી જતી હતી. તેની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે તેને વેરાવળની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

યુવાને આત્મહત્યાના ઈરાદે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે સ્થાનિક પોલીસ અને યુવાનના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે કયા પારિવારિક કે આર્થિક કારણોસર યુવાને હોસ્પિટલ જેવા જાહેર સ્થળે આવી આવું પગલું ભર્યું.

Exit mobile version