જામનગર નજીક સિક્કા પાટિયા વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના મૂળ વતની એક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી ફેલાઈ છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સિક્કા પાટિયા પાસે આવેલા એક શોરૂૂમના ઉપરના માળે ભાડાની ઓરડીમાં રહેતા તેમજ મજૂરી કામ કરતા રામ મેકુલાલ સ્નેહી (ઉ.વ. અંદાજે 22) નામના યુવાને પોતાની ઓરડીમાં પંખાના હૂક સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ ભાનુ બંભોલી વર્મા દ્વારા પોલીસને કરવામાં આવતાં મેઘપર પડાણા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તે સંબંધમાં નિરાશા મળતાં તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે, સમગ્ર મામલે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.
ખટિયા-બેરાજા ગામે ખેડૂતે કરેલો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા-બેરાજા ગામે રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા રામશીભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ. 53) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તા.06/05/2026ના રોજ સવારે આશરે છ એક વાગ્યાના સમયે થાણાથી પશ્ચિમે અંદાજે 5.2 કિ.મી. દૂર આવેલા ખટિયા ગામ ખાતે ગોવિંદભાઈ પરમારના રહેણાંક મકાને આ ઘટના બની હતી.
મૃતક રામશીભાઈ અરજણભાઈ પરમાર મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આસોટા ગામના રહેવાસી હતા અને હાલ લાલપુર તાલુકાના ખટિયા-બેરાજા ગામે રહેતા હતા. બનાવ અંગે ગોવિંદભાઈ ડાયાભાઈ પરમાર (રહે. કુબલાવદર, તા.ખંભાળિયા) એ પોલીસને જાણ કરી હતી. મેઘપર (પડાણા) પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર. એન. થાનકી ચલાવી રહ્યા છે.
