ભાવનગરમાંથી દારૂ-બિયરના જથ્થા સહિત 12.17 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂ બિયરના જથ્થા સહિત કુલ રૂ.12.17 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.જ્યારે એક મહિલા આરોપી…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂ બિયરના જથ્થા સહિત કુલ રૂ.12.17 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.જ્યારે એક મહિલા આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઈ વી.સી. જાડેજા, આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા અને સ્ટાફ દ્વારા શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે કાળા રંગની ટાટા હેરીયર કાર નં. GJ-06-RC-0073માં ગોપાલભાઈ ભરતભાઈ મકવાણા ગોવાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અધેળાઈ તરફથી ભાવનગર તરફ આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી તપાસ કરતાં ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તથા બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 561 દારૂની બોટલો અને 48 બિયર ટીન સહિત રૂ.2.16 લાખનો દારૂ તેમજ રૂ.10 લાખની ટાટા હેરીયર કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ.12,17,024નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ ગોપાલભાઈ ભરતભાઈ મકવાણા (ઉ.વ.39), રહે. હાલ લક્ષ્મીનગર સોસાયટી, સીદસર રોડ, ભાવનગર તરીકે થઈ હતી. જ્યારે મીતલબેન ગોપાલભાઈ મકવાણા નામની મહિલા આરોપી હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. સમગ્ર મામલે વેળાવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં આરોપી ગોપાલભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ પણ ઘોઘારોડ અને ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા અને પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર કામગીરી એલસીબીના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામ ગોહિલ, મહેન્દ્ર ચૌહાણ, વિઠ્ઠલ બારૈયા, સંજય ચુડાસમા, અનિલ સોલંકી, રાહુલ ધતુરાતર અને પ્રજ્ઞેશ પંડયા સહિતના સ્ટાફે સફળ બનાવી હતી.