પડધરી તાલુકાના ઢોકળીયા ગામે વાડી વિસ્તારમાં મજુરી કામ કરતો શ્રમિક યુવાન બાઈક લઈ દૂધ લેવા જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતાં યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ ઢોકળીયા ગામે મગનભાઈની વાડીમાં પરિવાર સાથે રહી મજુરી કામ કરતો જગદીશ કેશવભાઈ બામણીયા (ઉ.28) નામનો યુવાન ગઈકાલે બપોરે બાઈક લઈ ગામમાં દૂધ લેવા જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત થયો હતો. જેમાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પડધરી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે બહેનોનો એકનો એક નાનો ભાઈ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

