રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછપરછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થતાં મોત

શહેરમા પરા પીપળીયા વિસ્તારમાં આવેલા 25 વારીયામાં પતિ અને સંતાનોને તરછોડી પ્રેમી સાથે રહેતી પરિણીતા એઇમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછપરછ કરવા જતી હતી ત્યારે સંબંધીના બાઈકના…

શહેરમા પરા પીપળીયા વિસ્તારમાં આવેલા 25 વારીયામાં પતિ અને સંતાનોને તરછોડી પ્રેમી સાથે રહેતી પરિણીતા એઇમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછપરછ કરવા જતી હતી ત્યારે સંબંધીના બાઈકના હેન્ડલ સાથે સ્કૂટરનું હેન્ડલ અથડાતા સ્કૂટર અને એકટીવા સ્લીપ થયા હતા જેમાં ચાર લોકોને ઈજા પહોંચતી હતી. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પરા પીપળીયા વિસ્તારમાં આવેલ 25 વારિયામાં રહેતી મિતલબેન રામભાઈ કશ્યપ નામની 39 વર્ષની પરિણીતા ગત તા.9ના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં પરા પીપળીયાથી એઇમ્સ હોસ્પિટલ જવાના રસ્તે પોતાનું સ્કૂટર લઈને જઈ રહી હતી ત્યારે સ્કૂટર સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મિતલબેન કશ્યપને તાત્કાલિક સારવાર માટે એઇમ્સ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મિતલબેન કશ્યપનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મિતલબેન કારડીયાને છેલ્લા સાત વર્ષથી રાણાવાવના વાસજાળીયા ગામના નિલેશ રણછોડભાઈ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ છે અને છેલ્લા દોઢ માસથી પરા પીપળીયા ખાતે પ્રેમી નિલેશભાઈ ચૌહાણ સાથે રહેતી હતી. મિતલબેન કશ્યપ પોતાનું સ્કૂટર લઈ એઇમ્સ હોસ્પિટલ ખાતે નોકરીની પૂછપરછ કરવા જતી હતી ત્યારે સાથે જઇ રહેલા હીરાભાઈ (ઉ.વ.50)ના બાઈકનું હેન્ડલ મિતલબેનના સ્કૂટરના હેન્ડલ સાથે અથડાતા સ્કૂટર અને બાઈક સ્લીપ થયા હતા જેમાં મિતલબેન, હીરાભાઈ, નિલેશ ચૌહાણના માસીના દીકરા પકો સંજયભાઈ બારૈયા અને એક દસ વર્ષના બાળકને ઇજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા મિતલબેન કશ્યપનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.