Site icon Gujarat Mirror

રિસામણે રહેલી પત્નીને ફોન પર પતિ સાથે ઝઘડો થતા ફિનાઇલ પીધું

શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા આંબેડકરનગરમાં એક મહિનાથી રિસામણે રહેલી પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવી છે. છોકરાનુ મોઢુ જોવા બાબતે પતિ સાથે ફોનમાં ઝઘડો થતા આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણા તાલુકાના વાદીપરા ગામે સાસરુ ધરાવતી અને છેલ્લા એક મહિનાથી 150 ફૂટ રીંગરોડ પર આંબેડકરનગરમાં પિતાના ઘરે રિસામણે રહેલી જીગુબેન નિતીનભાઇ વાળા (ઉ.વ.30)નામની પરિણીતાએ આજે સવારે ફિનાઇલ પી લેતે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં જીગુબેનના લગ્ન 15 વર્ષ પહેલા થયા હોવાનુ અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. હાલમાં તેણી રિસામણે હોય ગઇકાલે પતિએ ફોન કરી છોકરાનુ મોઢુ જોવાનુ કહેતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં પતિએ ‘હું દવા પી જઇશ’ તેવી ધમકી આપી હતી. જેથી પરિણીતાએ ફિનાઇલ પી લીધાનુ જાણવા મળ્યુ છે.

Exit mobile version