દ્વારકામાં કાપડના સેલ્સમેને ગાંજાનું છૂટક વેચાણ ચાલુ કરતાં પોલીસની ઝપટે ચડી ગયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાની એન્ટી નાર્કોટિક્સ વિંગના પી.એસ.આઈ. એમ.આર. રાજપૂત તેમજ તેમની ટીમ દ્વારા શનિવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકામાં જૂની નગરપાલિકા પાછળના ભાગે આંબેડકર નગર ખાતે…

દેવભૂમિ દ્વારકા જિલ્લાની એન્ટી નાર્કોટિક્સ વિંગના પી.એસ.આઈ. એમ.આર. રાજપૂત તેમજ તેમની ટીમ દ્વારા શનિવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકામાં જૂની નગરપાલિકા પાછળના ભાગે આંબેડકર નગર ખાતે રહેતા પ્રવીણ ઉર્ફે પવી ગોદડભાઈ દેવાભાઈ કારાણી નામના 26 વર્ષના શખ્સને વેચાણ અર્થે મંગાવવામાં આવેલા રૂૂ. 20,100 ની કિંમતના 402 ગ્રામ ગાંજાના જથ્થા તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 38,220 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

10 ધોરણ સુધી અભ્યાસ કરીને કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા આરોપી પ્રવીણ ગોદડભાઈ નયાણીની પોલીસ પૂછતાછમાં છેલ્લા ચારેક માસથી તે પોતાના મિત્રો એવા દ્વારકાના રહીશ આશિષ વાલાભાઈ ચાનપા અને દિનેશ વાલાભાઈ રાઠોડ નામના બે શખ્સો સાથે મળીને ભાગીદારીમાં ગાંજાનું દ્વારકામાં છૂટક વેચાણ કરતો હોવાનું અને આજથી આશરે ચારેક દિવસ પહેલા તેઓએ સુરતના રહીશ જયમીન સોલંકી પાસેથી બસ મારફતે આ ગાંજો મંગાવી, પ્રવિણ કારાણીએ પોતાના રહેણાંક મકાનમાં રાખ્યો હોવાનું જાહેર થયું છે.

આ પ્રકરણમાં પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની જુદી જુદી કલમ હેઠળ આરોપી પ્રવીણ ગોદડભાઈ ની અટકાયત કરી, અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એન્ટી નાર્કોટિક્સ વિંગના પી.આઈ. ડી.એચ. ભટ્ટના વડપણ હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઈ. એમ.આર. રાજપૂત, નરેન્દ્રસિંહ જાડેજા, સજુભા જાડેજા, ઇરફાનભાઈ ખીરા, અજયભાઈ ભારવાડીયા, ગીતાબેન પરમાર અને ગણપતસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.