કેશોદ-બાલાગામ રોડ પર ઘમીદાણા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલી લાલ કલરની સ્વિફ્ટ કાર ઓવરસ્પીડમાં વળાંક ન કાપી શકતા પલટી ખાઈ ગઈ હતી અને રોડની સાઈડમાં આવેલા પથ્થર સાથે અથડાઈને સળગી ઉઠી હતી.
કારમાં 4 મિત્રો સવાર હતા, જેમાં યુવતી સહિત 3 યુવકોના ઘટનાસ્થળે જ સળગી જવાથી મોત થયા, જ્યારે સળગતી કારમાંથી બહાર ફંગોળાયેલી ઈન્ફ્લુએન્સર ક્રિષ્ના ચુડાસમાનો આબાદ બચાવ થયો છે. યુવતીને તાત્કાલિક કેશોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવી હતી, જોકે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે 3 મૃતદેહને પીએમ માટે ખસેડીને આગળની તપાસ શરૂૂ કરી છે.
ક્રિષ્નાના સગા પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક નંદની પોપટનો જન્મદિવસ હતો અને રાત્રે પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી આ ચારેય ફ્રેન્ડ બર્થ ડેની ઉજવણી કરવા માટે માધવપુર જઈ રહ્યા હતા, ત્યારે ખમીદાણા નજીક કારનો અકસ્માત થયો અને 3 મિત્રનો જીવ ગયો.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનોની ઉંમર 25થી 27 વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં નંદની પોપટ, ડેનિસ દિવરાણીયા અને ઝલક મશરૂૂનો સમાવેશ થાય છે. સળગતી કારમાંથી બચી ગયેલી યુવતી ક્રિષ્ના ચુડાસમા અકસ્માત સમયે આગળની સીટ પર બેઠેલી હતી અને કાચ તૂટી જતા બહાર ફંગોળાઈને બાજુના ખેતરમાં પડી ગઈ હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. બચેલી ક્રિષ્ના ચુડાસમા જૂનાગઢની રહેવાસી છે અને સોશિયલ મીડિયા ઈન્ફ્યૂએન્સર-મોડેલ હોવાનું સામે આવ્યું છે. જેના ઈન્સ્ટાગ્રામ પર 1.23 લાખ ફોલોઅર્સ છે.
પીઆઇ એન . બી ચૌધરીએ જણાવ્યું કે, કાર(GJ05RU6296)માં સવાર 4માંથી બે યુવતી અને બે યુવક હતા, જેમાંથી બે યુવક અને એક યુવતીનું મોત નીપજ્યું છે. સારવાર હેઠળ રહેલી ક્રિષ્ના પાસેથી પ્રાથમિક માહિતી મેળવવામાં આવી રહી છે. જ્યારે અકસ્માતની સંપૂર્ણ વિગતો મેળવવા માટે આગળની તપાસ ચાલી રહી છે.
બનાવની જાણ થતા જ ફાયર ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત ક્રિષ્નાને તાત્કાલિક 108 મારફત કેશોદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ગંભીર આઘાતને કારણે તે માનસિક અસ્થિર બની જતાં તબીબો દ્વારા તેની સારવાર શરૂૂ કરવામાં આવી છે.
